લોકસભામાં બસપાના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ ઉચ્ચારાયેલા અપશબ્દોના ઉપયોગનો મુદ્દાએ જોર પકડ્યુ છે. હવે બીજેપીએ બિધુરીને કારણ બતાવો નોટિસ ફટકારી છે. નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે, પાર્ટીએ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. રમેશ બિધુરી દક્ષિણ દિલ્હી લોકસભા સીટથી સાંસદ છે. ગુરુવારે લોકસભાના વિશેષ સત્ર દરમિયાન બીજેપી સાંસદ રમેશ બિધુરીએ પોતાના વિચારો વ્યક્ત કરતા BSP સાંસદ દાનિશ અલી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા તેઓ વિવાદમાં આવ્યા હતા.
વિપક્ષી સાંસદોના હોબાળા અને બિધુરી સામે કાર્યવાહીની માંગ વચ્ચે ભાજપે રમેશ બિધુરીને અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા બદલ કારણ બતાવો નોટિસ જારી કરી છે. ભાજપે તેમને 15 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. પાર્ટીએ પૂછ્યું છે કે અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
આ સાથે જ દાનિશ અલીએ કહ્યું છે કે જો સંસદમાં મારા અધિકારોનું રક્ષણ ન થઈ શકે તો હું કોની પાસે જાઉં ? રમેશ બિધુરીએ મને કાઢી મુકવાની ધમકી આપી છે. આવી સ્થિતિમાં મારી પાસે સંસદમાંથી રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
તેમણે કહ્યું કે, મેં લોકસભા સ્પીકરના કાર્યાલયને પત્ર લખ્યો છે અને મને વિશ્વાસ છે કે તેઓ આ ઘટનાની ગંભીર નોંધ લેશે અને રમેશ બિધુરી સામે યોગ્ય કાર્યવાહી કરશે. તમામ બાબતો રેકોર્ડ પર છે, સંસદમાં આ પહેલીવાર બન્યું છે કે ચૂંટાયેલા સાંસદ માટે આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
આ સમગ્ર મામલે બસપા સુપ્રીમો માયાવતીનું નિવેદન પણ સામે આવ્યું છે. માયાવતીએ કહ્યું છે કે, જો કે સ્પીકરે દાનિશ અલી વિરુદ્ધની વાંધાજનક ટિપ્પણીને ગૃહમાં રેકોર્ડમાંથી હટાવી દીધી છે અને તેમને ચેતવણી આપી છે અને વરિષ્ઠ મંત્રીએ ગૃહમાં માફી પણ માંગી છે, પરંતુ પાર્ટીએ હજુ સુધી તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી નથી, તે બાબત ઉદાસીન અને કમનસીબ છે.
રમેશ બિધુરીનો વીડિયો શેર કરતી વખતે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપને તળિયા વિનાનું પાતાળ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ દરરોજ નવી નીચી સપાટીએ પહોંચે છે. મને ખાતરી છે કે આની સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં તેમને ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી સંભાવના છે. હિટલર જર્મનીમાં યહૂદીઓ સાથે જે રીતે વર્ત્યા હતા તે જ રીતે આજે ભારતમાં મુસ્લિમો સાથે કરવામાં આવે છે, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.