કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજે બિહારના (Bihar) કિશનગંજ પહોંચ્યા હતા. જ્યાં તેમણે Budhi કાલી મંદિરમાં દર્શન પૂજા કરી હતી. શાહના મંદિરમાં આગમનને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમિત શાહની સાથે બિહાર ભાજપના (BJP) અધ્યક્ષ સંજય જયસ્વાલ, વિપક્ષના નેતા વિજય સિંહા સહિત ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. અમિત શાહ દેશના પહેલા ગૃહપ્રધાન છે, જેમણે આ મંદિરમાં પૂજા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિર માટે એક મુસ્લિમ નવાબે જમીન દાનમાં આપી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાતને કારણે કાલી મંદિરમાં સામાન્ય ભક્તોના પ્રવેશ પર એક કલાક માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમિત શાહની મુલાકાતના કારણે આસપાસની દુકાનો બંધ હતી.
કાલી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ અમિત શાહનો બોર્ડર મુલાકાતનો કાર્યક્રમ છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ BSF અધિકારીઓ સાથે સીમા સુરક્ષાને લઈને બેઠક કરશે. અમિત શાહ અહીં જવાનો સાથે વાતચીત કરશે. અમિત શાહ BSF જવાનો સાથે બપોરનું ભોજન પણ લેશે. બાદમાં તેઓ SSB કેમ્પ્સમાં BOP ફતેહપુરની મુલાકાત લેશે અને ફતેહપુર, પેકાટોલા, બેરિયા, અમગાચી અને રાનીગંજ ખાતે BOP ઈમારતોનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહ બપોરે 3.30થી 5 વાગ્યા સુધી આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લેશે. જે પછી તેઓ સવારે 5.50 વાગ્યે ચુનાપુર એરપોર્ટથી વિશેષ વિમાનમાં દિલ્હી જવા રવાના થશે.
અમિત શાહે ગુરુવારે પૂર્ણિયામાં જનભાવના રેલીને સંબોધી હતી. અહીં તેમણે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ પર જોરદાર નિશાન સાધ્યું હતુ અને કહ્યું હતુ કે, હું અહીં આવ્યો છું, તો લાલુ અને નીતીશની જોડીને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે હું બિહારમાં ઝઘડા કરાવવા આવ્યો છુ, હું કંઈક કરાવીને જ જઈશ પણ મારે ઝઘડો કરાવવાની જરૂર જ નથી લાલુજી, તમે ઝઘડો કરાવવા માટે પૂરતા છો, તમે આખી જિંદગી એ જ કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે બિહારમાં જ્યારથી તેમની સરકાર બની છે, ત્યારથી સીમાંચલમાં ભયનું વાતાવરણ છે, પરંતુ હું અહીંના લોકોને કહેવા માગુ છું કે તમારે ડરવાની જરૂર નથી, કારણ કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર છે.