Amit Shah in Bihar: કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) ગુરુવારે બિહારના લખીસરાય પહોંચ્યા છે. એક જનસભાને સંબોધિત કરતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) સરકારના 9 વર્ષ પૂરા થવા પર કરવામાં આવેલા કાર્યો ગણાવ્યા હતા. અમિત શાહે સભામાં બિહારના સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. નીતિશને પલટૂ બાબુ ગણાવતા કહ્યું કે તેઓ વડાપ્રધાન નરન્દ્ર મોદીના કારણે બિહારના મુખ્યમંત્રી બન્યા છે. અમિત શાહે આ દરમિયાન કેન્દ્ર સરકારના વખાણ પણ કર્યા હતા.
નીતિશ કુમાર પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે, તેઓ પલટુરામ છે જે PM મોદીના કારણે CM બન્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકારે સમગ્ર દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કર્યું છે. માત્ર બિહારમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 3,400 કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે. મુંગેરમાં એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજ પણ પીએમ મોદીએ બનાવી છે. રોડવેઝ માટે 3 લાખ કરોડ રૂપિયા અને 13 ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવે માત્ર પીએમ મોદી સરકારની ભેટ છે.
અમિત શાહે કહ્યું કે PM મોદીની સરકારે ભારતને ગર્વના 9 વર્ષ આપ્યા છે. આ સાથે જ તેમણે કહ્યુ કે 9 વર્ષ સુધી દેશના ગરીબો માટે કામ કર્યું છે. તેમના નેતૃત્વમાં જન કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર કહ્યું કે, તેમને અન્ય દેશોમાંથી જે સન્માન મળી રહ્યું છે તે ભાજપ કે પીએમ મોદીનું સન્માન નથી, પરંતુ તે સમગ્ર દેશનું સન્માન છે.
આ પણ વાંચો : Rahul Gandhi Manipur Visit: મણિપુરમાં ‘રાહુલ ગો બેક’ ના નારા લાગ્યા, ભાજપના કોંગેસ નેતા પર પ્રહાર
બિહારમાં સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ તે કરી બતાવ્યું જે કોઈએ વિચાર્યું પણ ન હતું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકને ખતમ કરવાનું કામ કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી છે. સાથે જ તેમણે દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.