ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ, આજે રવિવારે રેલવે બોર્ડે મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરને ટાંકીને કહ્યું કે, ટક્કર પહેલા બંને ટ્રેનોને ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. બોર્ડે કહ્યું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી, જ્યારે ગુડ્સ ટ્રેન તો લૂપ લાઇનમાં ઊભી હતી.
જયા વર્મા સિન્હા, મેમ્બર, ઓપરેશન્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ, રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, કોરોમંડલ એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ મળ્યું હતું તેમ છતાં માલ ગાડી લૂપ લાઇન પર ઊભી હતી. જેના કારણે કોરોમંડલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે દુર્ઘટના બાદ રેલવે દ્વારા પ્રથમ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ટ્રેક મરામતનું કામ કરવામાં આવી રહ્યું છે.
#WATCH | Sandeep Mathur, Principal Executive Director of Signalling and Jaya Varma Sinha, Member of Operation and Business Development, Railway Board explains the functioning of interlocking. pic.twitter.com/gQ1XuZbBv3
— ANI (@ANI) June 4, 2023
જયા વર્માએ કહ્યું કે પ્રારંભિક તારણો અનુસાર, “સિગ્નલિંગમાં થોડી સમસ્યા આવી છે. અમે હજુ પણ રેલવે સુરક્ષા કમિશનરના વિગતવાર અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેન લગભગ 128 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.” તેમણે વધુમાં જણાવ્યું કે કોરોમંડલ એક્સપ્રેસની પાટા પરથી ઉતરેલી બોગી યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી.
જયા વર્મા સિન્હાએ કહ્યું કે ‘કવચ’ ભારતમાં બનેલી સિસ્ટમ છે. આવનારા ભવિષ્યમાં અમે તેની નિકાસ પણ કરી શકીશું. તે રેલવેની સુરક્ષા સાથે સંબંધિત છે. એટલા માટે અમે તેનું સખત પરીક્ષણ કર્યું છે. રેલવે મંત્રીએ પોતે ટ્રેનમાં બેસીને ચેકિંગ કર્યું હતું. તમામ લાઈનો અને ટ્રેનોમાં આ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવામાં સમય અને પૈસા લાગશે.
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે ગઈકાલે રેલવેએ શેર કર્યું હતું કે, મૃત્યુઆંક 288 પર પહોંચી ગયો છે. ગઈકાલે રાત્રે ડીએમ અને તેમની આખી ટીમે દરેક મૃતદેહની તપાસ કરી. ડીએમ દ્વારા ડેટાની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે કેટલાક મૃતદેહોની ગણતરી બે વખત કરવામાં આવી હતી, તેથી મૃત્યુઆંકને સુધારીને 275 કરવામાં આવ્યો છે. 1,175 ઘાયલોમાંથી 793ને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.