ગુજરાત રમખાણો પર બનેલી BBCની ડોક્યુમેન્ટરીને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. હવે આ ડોક્યુમેન્ટરી પરનો પ્રતિબંધ હટાવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગોધરા રમખાણો પર બનેલી BBCની ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પરનો પ્રતિબંધ હટાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. આ મામલે 6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
એડવોકેટ એમએલ શર્માએ ડોક્યુમેન્ટરી પરથી પ્રતિબંધ હટાવવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ની બેંચ સમક્ષ આ મામલાની વહેલી સુનાવણીની માગ કરી છે. તેમણે બીબીસી ડોક્યુમેન્ટરી પર કથિત પ્રતિબંધ લાદવાના કેન્દ્ર સરકારના આદેશને પડકારતી અરજી દાખલ કરી છે. અરજીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા 21 જાન્યુઆરી 2023ના રોજ જાહેર કરાયેલા આદેશને મનસ્વી, દુર્ભાગ્યપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવ્યો છે.
આ પણ વાંચો : 2002ના ગોધરા કાંડના દોષિતોએ કહ્યું, અમે માત્ર પથ્થર માર્યા, SGએ કહ્યું, ના સાહેબ આ લોકોએ ટ્રેન પણ સળગાવી !
અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીબીસીની ડોક્યુમેન્ટરીમાં આવા રેકોર્ડેડ તથ્યો અને પુરાવા છે, જેનો ઉપયોગ પીડિતોને ન્યાય અપાવવા માટે કરી શકાય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીબીસી ડોક્યુમેન્ટરીના બંને ભાગની કોર્ટમાં તથ્ય આધારિત ઊંડાણ પૂર્વકની તપાસ થવી જોઈએ અને તેના આધારે કોર્ટે 2002ના ગુજરાત રમખાણો માટે સીધા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવો જોઈએ.
તમને જણાવી દઈએ કે બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધનો મામલો સુપ્રિમ કોર્ટમાં અન્ય એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. એડવોકેટ સીયુ સિંહે કહ્યું કે એન. રામ અને પ્રશાંત ભૂષણના ટ્વીટ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને ડિલીટ કરવામાં આવ્યા હતા. રાજસ્થાનના અજમેરમાં ડોક્યુમેન્ટરી બતાવવા બદલ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Published On - 3:10 pm, Mon, 30 January 23