ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ મુખ્ય આરોપી છે. અતીક અહેમદ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. યુપી પોલીસે આ હત્યાકાંડ સાથે જોડાયેલા બે બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સાથે જ અન્ય ઘટનાને અંજામ આપનાર અન્ય આરોપીઓને પકડવા પોલીસના દરોડા ચાલુ છે. દરમિયાન, યુપી પોલીસે અતીક અહેમદની બહેન આયેશા નૂરી અને તેની બે પુત્રીઓને ફરાર જાહેર કરી છે. જ્યારે, અતીકની પત્ની શાઇસ્તા પહેલાથી જ ફરાર છે.
મળતી માહિતી મુજબ, ઉમેશ પાલ મર્ડર કેસમાં, પોલીસ આયેશાના પતિ અખલાકની મેરઠથી ધરપકડ કરી ચૂકી છે. આરોપ છે કે ઉમેશની હત્યા કર્યા બાદ અતીકનો પુત્ર અસદ અને શૂટર ગુડ્ડુ મેરઠમાં આયેશાના ઘરે પહોંચ્યા હતા. માફિયા અતીક, તેના પુત્ર અસદના લગ્ન આયેશાની પુત્રી ઉંજીલા સાથે કરવા માંગતો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુપી પોલીસ આયેશા અને તેની બે પુત્રીઓ પર ઈનામની પણ જાહેરાત કરી શકે છે. તેમના પર ઉમેશના હત્યારાઓને બચાવવા અને પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. આ સાથે જ ઉત્તર પ્રદેશની પોલીસે અતીકની પત્ની શાઈસ્તા પરવીન પર ઈનામની રકમ પણ વધારી દીધી છે. હવે યુપી પોલીસ શાઇસ્તાના સમાચાર આપનારને 50 હજાર રૂપિયા ઇનામ તરીકે આપશે.
પોલીસના જણાવ્યા અનુસાર અતીકની પત્ની શાઇસ્તા પરવીને, ઉમેશના હત્યારાઓને ઘણી મદદ કરી હતી. તેણે શૂટરોને ભાગવામાં મદદ કરી હતી. આ સાથે જ ઉમેશ પાલ હત્યા કેસના આરોપીઓમાં અશરફનું નામ પણ સામેલ છે. તે હજુ પણ જેલમાં છે. કહેવાય છે કે અતીક અને અશરફે જેલમાંથી જ સમગ્ર ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું.
24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ અને તેના બે સિક્યોરિટી ગાર્ડને અતીકના સાથીદારોએ ધોળા દિવસે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં બદમાશો ઉમેશ પર ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ ઉમેશ પાલના અપહરણ કેસમાં અતીક અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટે અતીકને આજીવન કેદની સજા ફટકારી છે.