અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ગઈકાલે સુપુર્દ એ ખાક કરાયા હતા. પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યા થતા રાજકીય પક્ષોએ હોબાળો મચાવ્યો છે. દરમિયાન અશરફ અને અતીકની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, યુપીમાં 2017થી અત્યાર સુધી થયેલા તમામ એન્કાઉન્ટરોની તપાસ નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવે.
પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાને લઈને દેશભરમાં શરુ થયેલી ચર્ચાએ ગરમાવો સર્જયો છે. રાજકીય પક્ષોએ યુપી સરકારને લઈને વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે. હવે મામલો SC સુધી પણ પહોંચ્યો છે. એડવોકેટ વિશાલ તિવારીએ પીઆઈએલ દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં અતિક અને અશરફની હત્યાની તપાસ કરવાની માંગ કરી હતી.
તેમની પીઆઈએલમાં તેમણે માંગણી કરી છે કે તપાસ માત્ર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ કરવામાં આવે. આ સિવાય અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે 2017થી અત્યાર સુધીમાં 183 એન્કાઉન્ટરની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખમાં નિષ્ણાતોની સમિતિ બનાવીને કરવામાં આવે.
ગત શનિવારે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે પોલીસ, માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લાવી હતી. આ પછી અતીક મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. એટલામાં તો પત્રકાર તરીકે ઊભેલા ત્રણ શૂટરોએ બન્નેને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. કોઈ કંઈ સમજી શકે ત્યાં સુધીમાં તો અતીક અને અશરફ જમીન પર ઢળી પડ્યા હતા. બન્નેના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ પછી ત્રણેય શૂટરોએ નારા લગાવીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
અતીક અને અશરફની હત્યાના મુખ્ય આરોપી લવલેશ તિવારી છે, જે યુપીના બાંદા જિલ્લાનો રહેવાસી છે. બીજો શૂટર શનિ હમીરપુરનો રહેવાસી હતો અને ત્રીજો અરુણ મૌર્ય કાસગંજનો રહેવાસી હતો. હાલ ત્રણેય પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ છે. અતીક અહેમદ અને અશરફ અહેમદ કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. અહીં પહેલાથી જ અતીકના પુત્ર અસદને દફનાવવામાં આવ્યો છે. એવી અટકળો હતી કે અતીકની પત્ની શાઇસ્તા ક્બ્રસ્તાનમાં પહોંચી શકે છે પરંતુ એવું બન્યું નથી.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…