ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) કોંગ્રેસમાં જોડાવા અંગે અટકળો ચાલુ છે. આ દરમિયાન વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) કોંગ્રેસને ફરીથી જીવંત બનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે પ્રશાંત કિશોર દ્વારા કરવામાં આવેલી રજૂઆતના થોડા દિવસો બાદ સોમવારે, પાર્ટીએ અન્ય વધુ એક આંતરિક જૂથ, એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ 2024ની રચના કરી છે, જે કોંગ્રેસ (Congress) પાર્ટીની સામેના રાજકીય પડકારો પર કામ કરશે. જો કે આમાં કોણ કોણ સામેલ હશે તે હજુ સ્પષ્ટ થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે જ જનપથ પર પાર્ટી નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સોનિયા ગાંધી, પ્રશાંત કિશોરના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે રચવામાં આવેલા 8 સભ્યોના જૂથને મળ્યા છે. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીએ રચેલી સમિતિ, પ્રશાંત કિશોર દ્વારા કરવામાં આવેલા મોટાભાગના સૂચનો સાથે સંમત છે. પાર્ટીએ સત્તાવાર રીતે જાહેરાત પણ કરી છે કે તે ચિંતન શિબિરનું આયોજન કરશે. રાજસ્થાનના ઉદયપુરમાં 13 મેથી 15 મે દરમિયાન યોજાનાર આ સત્રમાં દેશભરમાંથી 400 કોંગ્રેસી નેતાઓ હાજરી આપી શકે છે.
આ અહેવાલ અનુસાર, કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું, ‘ખેડૂતો અને ખેત મજૂરો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓના કલ્યાણ અને મહિલા સામાજિક ન્યાય અને યુવા અને સશક્તિકરણ સાથે સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ સાથે સંગઠનની પુનઃરચના અને વધુ મજબુત કરવા ઉપર પણ વાતચીત કરવામાં આવશે. ચિંતન શિબિરમાં 2024ની ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.
મીડિયા અહેવાલો અનુસાર, પાર્ટીએ સત્રમાં પસાર થવાના ડ્રાફ્ટ ઠરાવો તૈયાર કરવા માટે પહેલેથી જ છ સમિતિઓની રચના કરી છે. રાજકીય પ્રસ્તાવ તૈયાર કરવા માટેની સમિતિનું નેતૃત્વ મલ્લિકાર્જુન ખડગે કરશે. જ્યારે આર્થિક સ્થિતિ માટે પ્રસ્તાવ સમિતિના અધ્યક્ષ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ હશે. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા, જે G-23 જૂથનો ભાગ છે, તેઓ ખેડૂતો અને કૃષિ પરની સમિતિનું નેતૃત્વ કરશે.
સામાજિક ન્યાયનું નેતૃત્વ સલમાન ખુર્શીદ કરશે અને મુકુલ વાસનિક સંસ્થાને લગતી બાબતો પર સમિતિનું નેતૃત્વ કરશે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા યુવા અને સશક્તિકરણ પર રચાયેલી સમિતિનું કામ જોશે.
કિશોરની રજૂઆત પર વિચાર કરનાર જૂથમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, પ્રિયંકા ગાંધી વાડ્રા, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલા જ IPac એ 2023ની ચૂંટણી માટે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સાથે જોડાણ કર્યુ છે. અહેવાલ મુજબ, સૂત્રોનું કહેવું છે કે ઘણા નેતાઓ નારાજ છે કે IPac એવા સમયે વિપક્ષી TRS સાથે આવ્યું છે જ્યારે કિશોરની કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ