Amul Vs Nandini: દૂધને લઈ કર્ણાટક ચૂંટણીમાં ‘ઉભરો’, વાંચો આખરે અમૂલને લઈને કેમ છે આરપારની સ્થિતિ?

અમૂલની એન્ટ્રીના મુદ્દે કોંગ્રેસના વાંધાઓ પર, સહકાર મંત્રી એસટી સોમશેખરે કહ્યું કે KMF નંદિની અને અમૂલને મર્જ કરવાનો આવો કોઈ પ્રસ્તાવ નથી. સોમશેખરે ચૂંટણી પહેલા અમૂલના આગમનને રાજકીય મુદ્દો બનાવવા માટે વિરોધ પક્ષો પર પ્રહારો કર્યા.

Amul Vs Nandini: દૂધને લઈ કર્ણાટક ચૂંટણીમાં ઉભરો, વાંચો આખરે અમૂલને લઈને કેમ છે આરપારની સ્થિતિ?
Amul Vs Nandini
| Edited By: | Updated on: Apr 11, 2023 | 8:22 AM

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને આડે વધુ સમય બાકી નથી. પરંતુ તે પહેલા રાજ્યમાં દૂધની બે અલગ-અલગ બ્રાન્ડ પર રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. દૂધને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો ચાલી રહ્યો છે. વાસ્તવમાં, ગુજરાત રાજ્ય દૂધ સહકારી બ્રાન્ડ ‘અમૂલ’ કર્ણાટકના બજારમાં પ્રવેશવાના મુદ્દે રાજકીય વિવાદ ગરમ થવા લાગ્યો છે. વિપક્ષે તેને રાજ્યની સૌથી લોકપ્રિય દૂધ બ્રાન્ડ ‘નંદિની મિલ્ક’ માટે નુકસાનકારક ગણાવ્યું છે.

શા માટે વિપક્ષને અમૂલ સામે વાંધો છે?

કર્ણાટકમાં વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સમર્થિત અમૂલના પ્રવેશથી કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ની બ્રાન્ડ ‘નંદિની’ માટે જોખમ ઊભું થશે. કર્મચારીઓની સામે નવું સંકટ ઊભું થશે. આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આ આરોપ બાદ રાજકારણ વધુ તેજ બની ગયું છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બસવરાજ બોમ્માઈની આગેવાની હેઠળની રાજ્ય સરકાર ‘રાજ્યના ગૌરવ’ને નષ્ટ કરવા તત્પર છે.

તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ કહ્યું હતું કે ‘અમે નંદિનીની તમામ બ્રાન્ડને સુરક્ષિત કરવા માંગીએ છીએ. નંદિનીને અન્ય રાજ્યોમાં પણ મોકલવાની પરવાનગી આપવી જોઈએ. જેઓ કર્ણાટકમાં કામ કરી રહ્યા છે અને નંદિની બ્રાન્ડની સફળતામાં યોગદાન આપી રહ્યા છે તેમની ચિંતા હું સમજું છું. આપણે તેમની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવી પડશે.

કોંગ્રેસના આરોપ પર ભાજપે શું કહ્યું?

અમૂલની એન્ટ્રીના મુદ્દે કોંગ્રેસના વાંધાઓ પર, સહકાર મંત્રી એસટી સોમશેખરે કહ્યું કે KMF નંદિની અને અમૂલને મર્જ કરવાનો આવો કોઈ પ્રસ્તાવ નથી. સોમશેખરે ચૂંટણી પહેલા અમૂલના આગમનને રાજકીય મુદ્દો બનાવવા માટે વિરોધ પક્ષો પર પ્રહારો કર્યા.

રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન સીએન અશ્વથ નારાયણે પણ અમૂલ સાથે કેએમએફના વિલીનીકરણ અથવા તેના વિસર્જનની અફવાઓને ફગાવી દીધી હતી, એમ જણાવ્યું હતું કે કેએમએફનું ટર્નઓવર રૂ. 20,000 કરોડથી રૂ. 22,000 કરોડ જેટલું છે.

અમૂલ અને નંદિનીના દૂધના ભાવ

એક માહિતી મુજબ કર્ણાટકમાં 15 દૂધ સંઘો છે અને તમામ નફાકારક છે. અમૂલ 57 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઓનલાઈન દૂધ વેચે છે જ્યારે નંદિનીના દૂધની કિંમત માત્ર 39 રૂપિયા પ્રતિ લીટર છે. નંદિનીના ઉત્પાદનો તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. અમૂલની તુલનામાં, નંદિનીની ઓછી કિંમત ગ્રાહકોને વધુ આકર્ષે છે.

ક્યારે અને કેવી રીતે શરૂ થયો વિવાદ

અમૂલ વિ નંદિની વિવાદના બીજ ગયા વર્ષે ડિસેમ્બરમાં વાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ડિસેમ્બરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માંડ્યામાં એક રેલીમાં કહ્યું હતું કે, “અમૂલ અને નંદિની સાથે મળીને ત્રણ વર્ષમાં કર્ણાટકના દરેક ગામમાં પ્રાથમિક ડેરી સ્થાપિત કરવામાં મદદ કરશે.”

આ પછી અમૂલે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે બેંગલુરુમાં દૂધ અને દહીંની ડિલિવરી શરૂ કરશે, ત્યારથી વિવાદ શરૂ થયો હતો.

નંદિનીનું નેટવર્ક અને પાવર

નંદિની કર્ણાટકમાં વિશાળ નેટવર્ક ધરાવે છે, જેમાં 22,000 ગામો, 2.4 મિલિયન દૂધ ઉત્પાદકો અને 14,000 સહકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આટલા મોટા નેટવર્કને જોતા કોઈપણ રાજ્ય સરકારે કેએમએફ માટે ક્યારેય કોઈ શરત રાખી નથી. સરકાર પોતે પણ કંપની પાસેથી દરરોજ લગભગ 84 લાખ કિલો દૂધ ખરીદે છે.

દૂધની બ્રાન્ડ રાજકીય મુદ્દો કેમ બન્યો?

હવે સમજો કે રાજ્યમાં દૂધનો મુદ્દો કેટલો મહત્વનો છે. રાજ્યમાં મોટાભાગના દૂધ ઉત્પાદકો જૂના મૈસુર પ્રદેશો જેવા કે મંડ્યા, મૈસુર, રામનગરા, કોલાર અને મધ્ય કર્ણાટક જિલ્લામાં દાવનગેરેના છે. આ તમામ 120-130 વિધાનસભા બેઠકો પર ફેલાયેલી છે. તેથી તે એક મોટી વોટ બેંક છે.જ્યારે જૂનું મૈસુર વોક્કાલિગા બેલ્ટ છે જ્યાં જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસનું વર્ચસ્વ છે, પરંતુ મધ્ય કર્ણાટક લિંગાયત પટ્ટાનો એક ભાગ છે લિંગાયતો ચૂંટણીમાં પ્રભુત્વ ધરાવે છે અને ભાજ ત્યાં સારૂ પ્રભુત્વ ધરાવે છે.

નંદિની બ્રાન્ડ સાથે જોડાયેલા મોટા સ્ટાર્સ

હવે કર્ણાટકમાં નંદિની બ્રાન્ડનું મહત્વ સમજો. KMFના બ્રાન્ડ એમ્બેસેડર મોટા સ્ટાર્સ રહ્યા છે. ઉદાહરણ તરીકે, ડૉ.રાજકુમાર, ઉપેન્દ્ર અને પુનીત રાજકુમાર. આ કલાકારોની પોતાની લોકપ્રિયતા છે. KMF ની પ્રથમ ડેરી કોડાગુ જિલ્લામાં 1955 માં શરૂ કરવામાં આવી હતી અને 1984 સુધીમાં દૂધ સંઘે તેની લોકપ્રિયતા સ્થાપિત કરી હતી.

Published On - 8:22 am, Tue, 11 April 23