
નવરાત્રિ દરમિયાન કાશ્મીર ખીણપ્રદેશના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે, કારણ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) આજથી આગામી ત્રણ દિવસ માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે (Amit Shah Jammu Kashmir Visit) છે. કલમ 370 દૂર કરાયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીની જમ્મુ-કાશ્મીરની આ ત્રીજી મુલાકાત છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના ઉત્તેજના વચ્ચે અમિત શાહની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવી સંભાવના છે કે અમિત શાહ કાશ્મીર પ્રવાસના પહેલા દિવસે ગુર્જર અને બકરવાલ સમુદાયને મળી શકે છે. એવું માનવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાં આવતા વર્ષે ચૂંટણી યોજાઈ શકે છે, તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાતને ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીર પહોંચશે. અમિત શાહ સાંજે લગભગ 5 વાગ્યે જમ્મુમાં ગુર્જરો, બકરવાલ અને યુવા રાજપૂત સભાના પ્રતિનિધિમંડળને મળશે. આ સિવાય અમિત શાહ 4 ઓક્ટોબરે સવારે રિયાસી જિલ્લાના ત્રિકુટા પર્વત પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા કર્યા બાદ રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર માટે ઘણી વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે અને શિલાન્યાસ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 5 ઓક્ટોબરે રાજભવન, શ્રીનગર ખાતે લેફ્ટનન્ટ ગવર્નર (Lieutenant Governor Manoj Sinha) સાથે બેઠક કરશે અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા ઉપરાંત સેના, અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે. શ્રીનગરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતા પહેલા શાહ બારામુલ્લામાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
Published On - 10:48 am, Mon, 3 October 22