
અજીત ડોભાલ મોદી સરકાર 3.0માં ત્રીજી વખત NSA રહેશે. આ સાથે વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા પણ આ પદ પર રહેશે. આ રીતે તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે પૂર્ણ થશે. અજિત ડોભાલને NSA, પીકે મિશ્રાને વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે, જ્યારે અમિત ખરે અને તરુણ કપૂરને વડા પ્રધાન કાર્યાલયમાં વડા પ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સંદર્ભમાં જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે IPS (નિવૃત્ત) અજીત ડોભાલની નિમણૂકને મંજૂરી આપી છે, જે 10 જૂનથી લાગુ થશે. ડોભાલની નિમણૂક અંગે જાહેર કરાયેલા આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક વડાપ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગળના આદેશો સુધી, જે પણ વહેલું હોય તે સાથે સમાપ્ત થશે.
તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે. તેમની નિમણૂકના નિયમો અને શરતો અલગથી સૂચિત કરવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એ બંધારણીય પદ છે. પીએમના સૌથી ભરોસાપાત્ર અધિકારી NSA છે. વ્યૂહાત્મક બાબતોની સાથે તેઓ આંતરિક સુરક્ષાના મામલામાં પણ વડાપ્રધાનને મદદ કરે છે. તે સલાહ આપે છે કે ક્યારે અને કયો નિર્ણય લેવો યોગ્ય છે.
અજિત ડોભાલ તેમની ઈમેજ અને કાર્યશૈલી માટે આખી દુનિયામાં જાણીતા છે. અમેરિકા પણ તેમનું પ્રશંસક છે. તેમનું કામ ત્યારે જોવા મળ્યું જ્યારે અમેરિકાના રાજદૂત એરિક ગારસેટીએ કહ્યું હતું કે ભારતના NSA માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ખજાનો છે.
ગારસેટીએ ગયા વર્ષે ‘યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET)’ કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, મને અમેરિકા અને ભારત વચ્ચેનો પાયો ઘણો મજબૂત લાગે છે. આ કારણે ભારતીયો અમેરિકનોને પ્રેમ કરે છે અને અમેરિકનો ભારતીયોને પ્રેમ કરે છે.
આ પણ વાંચો: વિદેશી મહિલાનો ગુજરાતમાં કાળો કારોબાર, એક ટ્રીપના મળતા હતા 5 હજાર ડોલર, જાણો વિગત