મંગળવારે ઇમ્ફાલમાં બે યુવકોની હત્યાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ મણિપુરમાં ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. મણિપુરમાં ફરીથી સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, લાઠીચાર્જના થોડા કલાકો બાદ જ મણિપુર સરકારે આગામી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં તમામ શાળાઓ અને કોલોજને આગામી 29 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇમ્ફાલ ખીણમાં બે યુવકોની હત્યાના વિરોધમાં, દેખાવ કરી રહેલી ભીડ પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં 45થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મણિપુર રાજ્યના અધિકારક્ષેત્ર હેઠળ આવતા VPN દ્વારા મોબાઈલ ઈન્ટરનેટ ડેટા સેવાઓ, ઈન્ટરનેટ/ડેટા સેવાઓ, આગામી 1 ઓક્ટોબર, 2023 ના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બે યુવકોના મૃતદેહોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયાના કલાકો પછી, ઇમ્ફાલમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને હત્યારાઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રીના કાર્યાલય સચિવાલય તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ પોલીસે તેમને ઇમ્ફાલના પૂર્વ જિલ્લાના સંજેન્થોંગ પાસે રોક્યા હતા. આ પછી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસે વિદ્યાર્થીઓને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા. પોલીસે આંદોલનકારી વિદ્યાર્થીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ કાર્યવાહીમાં 45થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાની વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓમાંથી 12ની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે 33 વિદ્યાર્થીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.
મામલાની ગંભીરતા જોઈને મુખ્યમંત્રી એન બિરેન સિંહે સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી દીધી છે. સીએમ વતી એવું કહેવામાં આવ્યું છે કે સીબીઆઈની મદદથી પોલીસ વિદ્યાર્થીઓના ગુમ થવાના સંજોગો શોધી કાઢશે અને તેમની હત્યા કરનારા કાવતરાખોરોની ઓળખ કરશે અને તેમને વહેલી તકે જેલમાં મોકલશે. સુરક્ષાદળોએ આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે.