
હવેની ગરમી ઉત્તર પ્રદેશના ટ્રાફિક પોલીસની કાર્યક્ષમતાને અસર કરી શકશે નહીં. કાળઝાળ ગરમીથી બચવા માટે 100 ટ્રાફિક પોલીસને ‘એસી હેલ્મેટ’ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, હેલ્મેટમાં નાનું એસી લગાવવામાં આવ્યું છે જે બેટરીથી ચાલે છે. આનાથી માથે ઠંડક રહે છે અને તાપમાન 10 થી 15 ડિગ્રી ઓછું થઈ જાય છે. આ હેલ્મેટની કીમત 14,000 રૂપિયાની આસપાસ છે.
ડીસીપી ટ્રાફિક અભિષેક અગ્રવાલે જણાવ્યું છે કે, આગ્રામાં ગરમીનું તાપમાન 45 થી 47 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ગરમીથી બચવા માટે ટ્રાફિક પોલીસને ‘એસી હેલ્મેટ’ આપવામાં આવ્યા છે. બીજું કે, ડયુટી સ્થળ પર પીવાના પાણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
‘એસી હેલ્મેટ’માંથી ઠંડી હવા આવે છે અને આ એસી બેટરીના ઉપયોગથી ચાલે છે. બેટરીને કમરના ભાગે પહેરવાની હોય છે. જણાવી દઈએ કે, આ બેટરી 8 થી 10 કલાક સુધી કામ કરે છે. જો બેટરી પૂરી થવાના આરે આવે ત્યારે તેમાં લાલ લાઇટ ચાલુ થઈ જાય છે. આ હેલ્મેટનું વજન 200 થી 250 ગ્રામ જેટલું હોય છે. આ સિવાય હેલ્મેટના આગળના ભાગે એક શીટ લગાડવામાં આવે છે, જે આપણી આંખોને તડકાથી બચાવે છે.
ઉત્તર પ્રદેશમાં ગરમીનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જો કે, મૌસમ વિભાગના મત મુજબ રવિવારથી ગરમીમાં રાહત જોવા મળશે. બીજું કે, મંગળવારથી આંશિક રૂપે વાદળછાયું વાતાવરણ છવાશે તેવી સંભાવના છે. ટૂંકમાં જોઈએ તો, દિવસનું તાપમાન 40 ડિગ્રી કે તેનાથી નીચું જવાની શક્યતા છે.