પશ્ચિમ દિલ્હીના મુંડકામાં એક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, એક મહિલાનું મોત, ઘટનાસ્થળ પર 24 ફાયર બ્રિગેડ

દિલ્હીના ફાયર વિભાગે માહિતી આપી કે સાંજે 4:40 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ 24 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે (Delhi Fire) દોડી આવી હતી.

પશ્ચિમ દિલ્હીના મુંડકામાં એક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, એક મહિલાનું મોત, ઘટનાસ્થળ પર 24 ફાયર બ્રિગેડ
Delhi Fire
| Edited By: | Updated on: May 13, 2022 | 9:29 PM

પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન (Mundka Metro Station) નજીક આવેલી એક બિલ્ડીંગમાં આજે સાંજે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ દર્દનાક અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. ઘણા લોકો હજુ પણ બિલ્ડિંગમાં ફસાયેલા છે. દિલ્હીના (Delhi) ફાયર વિભાગે માહિતી આપી છે કે સાંજે 4:40 વાગ્યે આગની જાણ થઈ હતી, ત્યારબાદ 24 ફાયર બ્રિગેડને (Fire in Delhi) ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અકસ્માતમાં મહિલાનું કરૂણ મોત – દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસે (Delhi Police) જણાવ્યું છે કે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે કંપનીઓને ઓફિસ સ્પેસ આપવા માટે થાય છે. આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી, જે સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. હાલ પોલીસે કંપનીના માલિકને કસ્ટડીમાં લીધા છે.

કાળા ધુમાડાના દૂરથી જોઈ શકાય છે

ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો મુજબ ચાર માળની ઈમારતમાંથી કાળો ધુમાડો જોઈ શકાય છે. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. આ અહેવાલ લખાય ત્યાં સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી અને ફાયર ફાઈટીંગ ઓપરેશન હજુ ચાલુ છે.

શુક્રવાર ભયાનક અકસ્માતનો દિવસ હતો

તમને જણાવી દઈએ કે આજે જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા વિસ્તારમાં આગની વધુ એક ભયાનક ઘટના બની છે. અહીં એક બસમાં આગ લાગી હતી, જેના કારણે આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ બસ કટરા જઈ રહી હતી અને તે દરમિયાન કટરાથી ત્રણ કિલોમીટર પહેલા નોમાઈ પાસે આગ લાગી હતી. જમ્મુ ડિવિઝનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADG) મુકેશ સિંહે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન આ ઘટનામાં કોઈ વિસ્ફોટકનો સંકેત મળ્યો નથી, જો કે, ફોરેન્સિક ટીમ આગનું કારણ શોધી રહી છે.