નાથદ્વારામાં આજથી શિવજીની 369 ફૂટ ઊંચી મૂર્તિનો લોકાર્પણ ઉત્સવ, મોરારિબાપુની રામકથાથી કાર્યક્રમની શરૂઆત

|

Oct 29, 2022 | 2:08 PM

શિવજીની (Lord Shiva Statue) આ ભવ્ય મૂર્તિ બનાવવામાં 10 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે તથા આ માટે 50 હજારથી વધુ કારીગરોની મદદ લેવાઇ છે.

વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા  લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં નાથદ્વારામાં 369 ફૂટની શિવ પ્રતિમાનો ઉદ્ઘાટન ઉત્સવ 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન યોજાશે. શ્રીનાથજીની પવિત્ર ભૂમિ પર વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ’ના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. જેનું વજન લગભગ 3000 ટન છે. શિવ પ્રતિમાના ઉદ્ઘાટન ઉત્સવ દરમિયાન ગુજરાતના કથાકાર મોરારી બાપુ રામ કથાનું પઠન કરશે.

નવ દિવસ સુધી ચાલશે લોકાર્પણ ઉત્સવ

નાથદ્વારામાં ભગવાન શિવજીની વિશ્વ સ્વરૂપમ, વિરાટ, ભવ્ય 369 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરાયું છે. આજથી આ ભવ્ય પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત મોરારિબાપુની રામ કથાથી થશે. 9 દિવસ ચાલનારા આ ભવ્ય સમારોહમાં CM અશોક ગેહલોત સહિત અનેક રાજ્યોના CM અને સેલિબ્રિટિઓ ભાગ લેશે. મૂર્તિ નિર્માણ પામી તે સ્થાન પદમ ઉપવનના નામથી ઓળખાશે.

શિવજીની મૂર્તિની વિશેષતા

ઉલ્લેખનીય છે કે શિવજીની આ ભવ્ય મૂર્તિ બનાવવામાં 10 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે તથા આ માટે 50 હજારથી વધુ કારીગરોની મદદ લેવાઇ છે. મૂર્તિ એટલી વિશાળ છે કે તેની અંદરના હોલમાં 10 હજાર લોકો એકસાથે એકઠા થઇ શકશે અને તેને પૂર્ણ રીતે જોવામાં 4 કલાક જેટલો સમય લાગશે. આ વિરાટ મૂર્તિની વિશેષતાની વાત કરીએ તો પ્રતિમાની અંદર અલગ-અલગ ઊંચાઈ પર જવા માટે 4 લિફ્ટ છે. જેમાં 20 ફૂટથી લઇને 351 ફૂટ સુધી મૂર્તિની ઉંચાઇ પર જઇ શકાશે. પ્રથમ લિફ્ટ 270 ફૂટની ઉંચાઈ પર શિવજીના ડાબા ખભા પર લઇ જશે તે સ્થળ પરથી સમગ્ર નાથદ્વારા અને શિવજીના ત્રિશૂળના દર્શન કરી શકાશે તથા 270થી 280 ફૂટની ઉંચાઈ પર જવા એક કાચનો વિશેષ પુલ તૈયાર કરાયો છે જેના પરથી ગ્રાઉન્ડ ફ્લોરનો નજારો જોઇ શકાશે. અહીંથી શિવજીના નાગના દર્શન અને પદમ ઉપવનનો પણ અદભૂત નજારો જોઇ શકાશે.

Next Video