મહારાષ્ટ્રના (Maharashtra) ઉમરખેડ જિલ્લામાંથી (Umarkhed District) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરાબ રસ્તા અને ખાડાઓને કારણે 30 વર્ષની નતાશા ઠોકરે અને તેનું નવજાત બાળક (New Born Baby) રસ્તામાં જ મૃત્યુ પામ્યું. આ ઘટના રવિવારે બની હતી. બંદી ગામની રહેવાસી નતાશાને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવારજનોએ તેને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું અને ઓટો રિક્ષામાં બેસીને હોસ્પિટલ લઈ જવા લાગ્યા. પરંતુ બંદી ગામ અને બિટેરગામ વચ્ચે ખરાબ રસ્તાના કારણે નતાશાની ડિલિવરી હોસ્પિટલ પહોંચતા પહેલા જ ઓટોમાં થઈ ગઈ.
રસ્તો એટલો ખરાબ હતો કે નવજાત શિશુ ખરાબ રસ્તાઓ અને ખાડાઓના કંપનને સહન કરી શક્યું ન હતું અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું. જ્યારે સંપૂર્ણ સારવાર ન મળવાને કારણે નતાશાનું પણ ટૂંકા સમયમાં મૃત્યુ થયું. નતાશાનું મૃત્યુ થયું ત્યારે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માત્ર 2 કિલોમીટર દૂર હતી.
આ ઘટના બાદ બંદી ગામમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ અંગે અનેક વખત ગામના લોકોએ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને ફરિયાદ કરી હતી અને તેને રીપેરીંગ કરવા વિનંતી પણ કરી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ માર્ગને લઈને સ્થાનિક લોકોએ દેખાવો પણ કર્યા હતા. પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ રોડના સમારકામ માટે કોઈ પગલાં લેવાયા ન હતા. સ્થાનિક લોકો હવે પ્રશાસનને એક જ સવાલ પૂછી રહ્યા છે કે સરકાર કેટલા જીવોનો ભોગ લેવાયા પછી જાગશે?
ખરાબ રસ્તાના કારણે લોકોને અને ખાસ કરીને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાડાઓ અને ખરાબ રસ્તાઓને કારણે તેઓ સમયસર હોસ્પિટલ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી. જેના કારણે તેમને સમયસર સારવાર મળતી નથી. આ ઘટના પછી બધાનું માનવું છે કે જો રસ્તાની હાલત સારી હોત તો નતાશા અને તેના બાળકનો જીવ બચાવી શકાયો હોત. કારણ કે જો રસ્તો સાચો હોત તો તે સમયસર હોસ્પિટલ પહોંચી શક્યા હોત અને સારવાર મળી શકી હોત.
આ પણ વાંચો : મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે કિરીટ સોમૈયાને પાઠવ્યું સમન્સ, આવતીકાલે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું