
Sangli : મહારાષ્ટ્રની સાંગલી પોલીસની કાર્યવાહીમાં સાગરનું સોનું ઝડપાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂ.6.5 કરોડ છે. આ મહાસાગરના સોનાને વ્હેલ વોમિટ અથવા એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. સિંધુદુર્ગના દરિયામાં મળેલી વ્હેલ માછલીની ઉલ્ટીને બે લોકો એક બોક્સમાં સાંગલી લાવ્યા હતા. તેઓ સાંગલીમાં આ એમ્બરગ્રીસ વેચવા આવ્યા હતા. આ બંને તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. સાંગલીની સ્થાનિક પોલીસે વ્હેલ માછલીની ઉલટીની દાણચોરી કરતી આ ગેંગની ધરપકડ કરી છે.
તસ્કરો પાસેથી વ્હેલ માછલીની ઉલટી કબજે કરવામાં આવી છે. સાંગલી શહેરના શામરાવ નગરથી થોડે દૂર એપીજે અબ્દુલ કોલેજ પાસે કેટલાક લોકો પ્રતિબંધિત વસ્તુઓની શ્રેણીમાં આવતી વ્હેલ માછલીની ઉલટી વેચવા માટે આવી રહ્યા હોવાની માહિતી સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યાર બાદ જાળ બિછાવીને બંને તસ્કરો ઝડપાઈ ગયા હતા અને તલાશી લેતા તેમની પાસેથી 5 કિલો વજનની વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી.
જપ્ત કરવામાં આવેલી એમ્બરગ્રીસ તરીકે ઓળખાતી વ્હેલ માછલીની ઉલ્ટીની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 6 કરોડ 5 લાખ છે. તેને કબજે કર્યા બાદ સાંગલીમાં રહેતા સલીમ પટેલ અને સિંધુદુર્ગથી વેચવા આવેલા અકબર શેખની ધરપકડ કરવામાં આવી હતી. બંને વિરુદ્ધ સાંગલી શહેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
થોડા દિવસો પહેલા કોલ્હાપુરના સરનોબત વાડી વિસ્તારમાં પણ પોલીસે વ્હેલ માછલીની ઉલટી જપ્ત કરી હતી. તે સમયે ઝડપાયેલી ઉલ્ટીની કિંમત સાડા ત્રણ કરોડ રૂપિયા હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં, વ્હેલ માછલીની ઉલ્ટીની માંગ ઝડપથી વધી છે. જેના કારણે તેની દાણચોરી પણ વધી છે. વ્હેલ માછલીની ઉલટીનું સાચું નામ એમ્બરગ્રીસ છે. દરિયામાં ખોરાકથી અપચો હોય ત્યારે ઘણી વખત વ્હેલ માછલીને ઉલટી થાય છે.
દરિયાના ખારા પાણી અને સૂર્યના કિરણોને ભેળવીને આ ઉલટીમાંથી એક મુલાયમ વસ્તુ તૈયાર થાય છે. તેને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ સુગંધિત અત્તર અથવા પરફ્યુમ બનાવવામાં થાય છે. આ સાથે તેમાં ઘણી દવાઓના ગુણ પણ છે. તે ઊંડા સમુદ્રમાં જોવા મળે છે, તે દુર્લભ છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આટલી ઊંચી છે.