Valsad: દરિયા કિનારે 2 દિવસમાં 7 લાશ મળી, બાર્જ દુર્ઘટનાનાં મૃતકો હોવાની આશંકા બાદ હેલીકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન

|

May 24, 2021 | 8:49 PM

Valsad: વલસાડના દરિયા કિનારે 2 દિવસમાં 7 મૃતદેહ મળવાની ઘટના બાદ તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે. મુંબઈનાં દરિયા કિનારે બાર્જ હાદસા બાદ અનેક લોકો ગુમ હતા અને તેની શક્યતાનાં આધારે હવે તપાસ ઝડપી કરી દેવાઈ છે.

Valsad: વલસાડના દરિયા કિનારે 2 દિવસમાં 7 મૃતદેહ મળવાની ઘટના બાદ તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે. મુંબઈનાં દરિયા કિનારે બાર્જ દુર્ઘટના બાદ અનેક લોકો ગુમ હતા અને તેની શક્યતાનાં આધારે હવે તપાસ ઝડપી કરી દેવાઈ છે. વધુ મૃતદેહ હોવાની શક્યતાને લઈ વલસાડ જિલ્લાના દરિયા કિનારે હેલિકોપ્ટર દ્રારા મૃતદેહની શોધખોળ શરૂ કરાઈ છે.

વાવાઝોડામાં મુંબઇ હાઈ નજીક બનેલી બાર્જ દુર્ઘટનામાં ગુમ થયેલા ક્રુ મેમ્બરોના મૃતદેહ વલસાડના દરિયા કિનારેથી મળી રહ્યા છે. જણાવી દઈએ કે તાઉ તે વાવાઝોડાના કારણે મુંબઈથી 35 નોટિકલ માઇલ્સ દૂર ડૂબી ગયેલા જહાજ ‘બાર્જ P305’માંથી કુલ 26 મૃતદેહ મળી આવ્યા હતા અને 49 લોકો હજુ પણ ગુમ હતા અને બચાવકાર્ય હજુ પણ ચાલી રહ્યું છે.

ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે. ચક્રવાતની ચેતવણી છતાં કેમ બાર્જ P305ને સુરક્ષિત જગ્યાએ ન લઈ જવાયું તેની તપાસ કરવામાં આવશે. બુધવારે દક્ષિણ મુંબઈની યલો ગેટ પોલીસે બાર્જ P305 પરના 26 મૃતદેહો બહાર કાઢ્યા હોવાના સંબંધમાં અકસ્માતે મૃત્યુનો અહેવાલ નોંધ્યો હતો. ચક્રવાત દ્વારા અસરગ્રસ્ત આ બાર્જ અને અન્ય બે બાર્જ એફકોન્સ દ્વારા રાજ્યના માલિકીની ONGC તરફથી મળેલા કરાર માટે ગોઠવવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કામ કરતા લોકોના મૃતદેહને બુધવારે સવારે INS કોચી દ્વારા મુંબઇ લાવવામાં આવ્યા હતા અને વધુ 18 લોકોને INS કોલકાતા દ્વારા લાવવામાં આવ્યા હતા. પોલીસ હવે આ મામલે જાણવાની કોશિશ કરી રહી છે કે ચક્રવાત વિશે વારંવાર ચેતવણી આપ્યા છતાં પણ તે ત્યાંથી હટાવવાયું કેમ નહી?

આ અંગે હવે બચાવવામાં આવેલા લોકોનાં નિવેદનો પોલીસ દ્વારા નોંધવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે તેઓ શિપિંગના ડિરેક્ટર જનરલ અને અન્ય સંબંધિત ઓએનજીસીના અધિકારિયોના અભિપ્રાય મેળવશે. હવે આ મુદ્દે માનવઅધિકાર પંચ પણ ઘટનામાં સામેલ થઈ ચુક્યું છે અને તેમણે 6 અઠવાડિયામાં પેટ્રોલિયમ વિભાગ, ONGC, અને કોસ્ટગાર્ડ પાસેથી ખુલાસો માગ્યો છે અને તેમને નોટીસ પણ ફટકારી છે.

પંચ દ્વારા ટકોર કરવામાં આવી છે કે વાવાઝોડા સમયે આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હોત તો આવા પ્રકારની ઘટનાઓ ના બની હોત. માનવ અધિકાર પંચ દ્વારા જાતે લેવામાં આવેલા પગલામાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ફસાયેલા લોકોને એમ જ છોડી દેવામાં આવ્યા હતા. જે તેમનાં માનવીય મુલ્યોનું હનન છે.

 

Published On - 8:38 am, Mon, 24 May 21

Next Video