
બે દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) ભાઈ જયદેવ ઠાકરેના પત્ની મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં સીએમ એકનાથ શિંદેને (CM Eknath Shinde) મળ્યા હતા. ફૂલોનો ગુલદસ્તો આપ્યો. શિવસેના (Shiv Sena) માટે તેમના યોગદાનની પ્રશંસા કરી. બે દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ બિંદુ માધવ ઠાકરેના પુત્ર નિહાર ઠાકરે શુક્રવારે (29 જુલાઈ) ના રોજ સીએમ શિંદેને મળ્યા અને તેમને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સીએમ શિંદે તેમના દાદા બાળાસાહેબ ઠાકરેના વિચારોને વધુ સારી રીતે આગળ લઈ જઈ રહ્યા છે.
નિહાર ઠાકરે માત્ર બાળાસાહેબ ઠાકરેના પૌત્ર જ નથી પરંતુ ભાજપના નેતા અને 1995 થી 2009 સુધી મંત્રી રહી ચુકેલા હર્ષવર્ધન પાટીલના જમાઈ પણ છે. થોડા સમય પહેલા જ તેમના લગ્ન હર્ષવર્ધન પાટીલની પુત્રી અંકિતા પાટીલ સાથે થયા છે. શુક્રવારે સીએમ શિંદે સાથેની તેમની મુલાકાતને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. ઠાકરે પરિવારના એક પછી એક સભ્યોની સીએમ શિંદે સાથેની મુલાકાત ઉદ્ધવ ઠાકરે માટે ચિંતા વધારી રહી છે.
સ્વાભાવિક છે કે ધારાસભ્યો, સાંસદો અને પરીવારના પણ અમુક સભ્યો પછી હવે એકનાથ શિંદેને સમર્થન જાહેર કરનારા નિહાર ઠાકરે શિવસેના પર એકનાથ શિંદેનો દાવો મજબૂત કરવા જઈ રહ્યા છે. હવે તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે ઠાકરે પરિવારના કેટલાક સભ્યો આગામી ભવિષ્યમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય થશે.
ઉલ્લેખનીય છે કે, શિવસેનામાં આંતરિક બળવા પછી એકનાથ શિંદે સતત દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે તેઓ જ અસલી શિવસેના છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે, આ ભાજપનુ શિવસેનાને ખતમ કરવાનું ષડયંત્ર છે. આ અંગે ચૂંટણીપંચે બંનેને 8 ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજ રજુ કરવા કહ્યુ હતુ. જેના પર ઉદ્ધવ ઠાકરેની આગેવાની વાળા જુથે વાંધો ઉઠાવ્યો હતો અને મામલો કોર્ટમાં પહોચ્યો છે. જેના પર આગામી 1 ઓગસ્ટે સુનાવણી થાય તેવી સંભાવના છે. ત્યારે મહારાષ્ટ્રમાં આગામી સમય રાજકીય ડ્રામાથી ભરપુર હશે. તેમજ કોનો દાવો સાચો પુરવાર થાય છે તેના પર સૌ કોઈની નજર છે.
Published On - 7:54 am, Sat, 30 July 22