એક્ટ્રેસ તુનિષા શર્મા સુસાઈડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. તુનિષાનો આઈફોનનો કોડ ડિકોડ કરવામાં આવ્યો છે. ફોનનું લોક ખોલવા માટે એપલના કર્મચારીને બોલાવવામાં આવ્યો હતો. ફોન અનલોક થયા પછી પોલીસે તુનીષા અને શીઝાન વચ્ચે જૂનથી અત્યાર સુધીમાં વોટ્સએપ ચેટનો ડમ્પ લીધો હતો. શીઝાનની આ વોટ્સએપ ચેટ્સ તુનિષા સિવાય તેની માતા સાથે પણ છે. તુનિષાના ફોનમાંથી 50થી વધુ ઓડિયો નોટ પણ મળી આવી છે.
એક્ટ્રેસના ફોનમાંથી મળેલી મોટાભાગની ઓડિયો નોટ્સ શીઝાન અને તુનીશા વચ્ચેની છે. આઈફોનનું લોક ખોલીને બંને વચ્ચેની ચેટ સામે આવ્યા બાદ પોલીસનો રસ્તો ઘણો સરળ બની ગયો હતો. આનાથી પોલીસને શીઝાન વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં મદદ મળશે. તુનીષાની માતાને આવતીકાલે ફરી વાલિવ પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે. પોલીસે આજે ત્રણ કલાક સુધી તુનીશાની માતા વિનીતા, મામા પવન શર્મા અને માસીના સ્ટેટમેન્ટ નોંધ્યા છે.
પોલીસ સતત એક્ટ્રેસના મોત વિશે તપાસ કરી રહી છે. પોલીસે આરોપી શીઝાન ખાનની પૂછપરછ કરીને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સીરિયલના સેટ પર ખરેખર શું થયું હતું, જ્યાં એક્ટ્રેસે આત્મહત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે તુનીષાએ શનિવારે ટીવી શો અલી બાબા દાસ્તાન-એ-કાબુલના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી હતી. આ કેસમાં તેના કો-સ્ટાર એક્ટર શીઝાન ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યો છે અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે.
પાલઘરના વાલીવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, શીઝાન ખાને તુનીષા સાથેના પોતાના સંબંધોનો અંત લાવી દીધો હતો, પરંતુ બંને વાતચીત કરતા હતા. તુનીષાની માતાએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે, શીઝાન ખાને તેની પુત્રીને છેતરપિંડી કરી અને તેનો ત્રણથી ચાર મહિના સુધી ઉપયોગ કર્યો હતો. જ્યારે અધિકારીએ જણાવ્યું હતું કે કે ઘટનાના દિવસે શીઝાન ખાન અને તુનીષાએ શૂટિંગના દિવસે લંચ બ્રેકમાં વાત કરી હતી. તુનિષા સાથે વાત કર્યા પછી 15 મિનિટ શીઝાન તેના શૂટિંગ માટે ગયો. થોડા સમય બાદ તુનીષા મૃત હાલતમાં મળી આવી હતી.
Published On - 7:33 pm, Thu, 29 December 22