જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીના શરીરને તેની સંમતિ વિના સ્પર્શ કરે છે તો તે તે સ્ત્રીના ગૌરવ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આ રીતે તે એક મહિલાની લજ્જા અને ચારીત્ર્યને ભંગ કરવાનો (Outraging the modesty of a woman) ગુનો આચરે છે. આ વાત બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી છે. આ વાત બોમ્બે હાઈકોર્ટે એક 36 વર્ષીય વ્યક્તિની અરજીને ફગાવી દેતા કહી હતી. જેમાં મહિલાના સન્માન પર હાથ નાખવાના મામલે દોષિત ઠેરવવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે જાલના જિલ્લામાં રહેતા એક વ્યક્તિની સંબંધિત અરજીને ફગાવી દેતા આ આદેશ આપ્યો છે. ન્યાયધીશ મુકુંદ જી. સેવિલકરની સિંગલ બેન્ચે 21 ડિસેમ્બરે આપેલા પોતાના આદેશમાં જાલના સેશન્સ કોર્ટના 21 ઓગસ્ટના નિર્ણય વિરુદ્ધ પરમેશ્વર ઢગે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો અને અરજીને ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટના જજે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને યથાવત રાખતા સંબંધિત વ્યક્તિને IPCની કલમ 451 અને 351-A હેઠળ દોષી ઠેરવ્યો હતો.
પીડિતાએ નોંધાવેલી એફઆઈઆર મુજબ 4 જુલાઈ 2014ના રોજ તે તેની દાદી સાસુ સાથે ઘરમાં એકલી હતી. તેનો પતિ કોઈ કામ અર્થે ગામ ગયો હતો. રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ આરોપી તેના ઘરે આવ્યો અને તેને પૂછવા લાગ્યો કે તેનો પતિ ક્યારે ગામથી પાછો આવશે. પીડિતાએ જણાવ્યું કે તેનો પતિ રાત્રે ઘરે આવવાનો નથી. આરોપી રાત્રે 11 વાગે મહિલાના ઘરમાં ઘુસ્યો હતો.
પીડિતા સૂતી હતી. અચાનક પીડિતાને અહેસાસ થયો કે કોઈ તેના પગને સ્પર્શ કરી રહ્યું છે. તે તરત જ ઊભી થઈ. તેણે જોયું કે આરોપી તેના પલંગ પર બેઠો હતો. પીડિતા અને તેના દાદી-સાસુએ બૂમો પાડતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાએ તરત જ ફોન કરીને તેના પતિને આ વાત જણાવી. સવારે પતિ આવતાની સાથે જ પીડિતાએ સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા સમાચાર મુજબ દોષિત પુરૂષની તરફેણમાં તેના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે મહિલાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો ન હતો. આ દર્શાવે છે કે તેનો અસીલ મહિલાની સંમતિથી ઘરમાં પ્રવેશ્યો હતો. સામાન્ય રીતે જ્યારે ઘરમાં કોઈ પુરુષ ન હોય અને સ્ત્રી સાસુ સાથે ઘરમાં એકલી હોય ત્યારે તે દરવાજો બરાબર બંધ કરી દેતી હોય છે. આ સિવાય એડવોકેટ પ્રતીક ભોસલેએ એ પણ દલીલ કરી હતી કે સંબંધિત વ્યક્તિએ કોઈ અશ્લીલ ઈરાદાથી મહિલાના પગને સ્પર્શ કર્યો નથી. ફરિયાદ દાખલ કરવામાં 12 કલાકનો વિલંબ કેમ થયો તે અંગે પણ વકીલે દલીલ કરી હતી.
તમામ દલીલો અને નિવેદનો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ‘એ સ્પષ્ટ છે કે અરજદારે મહિલાના સન્માન પર હાથ નાખવાનું કામ કર્યું છે. આ કેસમાં અરજદાર પીડિતાના પગ પાસે બેઠેલો જોવા મળ્યો હતો. આટલું જ નહીં, પીડિતાના ખાટલા પર બેસીને તે તેના પગ પણ સ્પર્શી રહ્યો હતો. આ વર્તન અશ્લીલ ઈરાદાઓને જાહેર કરે છે. અન્યથા અરજદાર દ્વારા પીડિતાના ઘરે મધ્યરાત્રિએ આ પ્રકારની હાજરી માટે અન્ય કોઈ કારણ જોઈ શકાતું નથી.
ન્યાયાધીશે એમ પણ કહ્યું કે ‘અરજીકર્તા મધ્યરાત્રિએ પીડિતાના ઘરે કેમ હાજર જોવા મળ્યો તે અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નથી. પીડિતાના પતિની ગેરહાજરીનો લાભ લઈને અરજદારે જાણી જોઈને અશ્લીલ ઈરાદા સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો. આમ, ટ્રાયલ કોર્ટે પીડિતાના સન્માન પર હાથ મુકવાના મામલે તેને દોષિત ઠેરવીને કોઈ ભૂલ કરી નથી.
આ પણ વાંચો : કોરોનાનો કહેર યથાવત : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં ઉછાળો, તંત્રની વધી ચિંતા