મહારાષ્ટ્ર (Maharashtra)માં નાગરિક ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ઉદ્ધવ ઠાકરે સરકારને (Uddhav Thackeray government) આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને સ્થાનિક સંસ્થાની 27 ટકા બેઠકોને સામાન્ય શ્રેણી તરીકે સૂચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી આ બેઠકો અન્ય પછાત વર્ગો એટલે કે OBC માટે અનામત હતી. મહારાષ્ટ્ર સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામત લાગુ કરવા માટે સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરી (SECC) 2011નો ડેટા માંગ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી OBC અનામતનો મુદ્દો રાજ્યના રાજકારણમાં ગરમાતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક અરજીમાં માંગ કરી હતી કે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને OBC આરક્ષણ માટે રાજ્ય સરકારને જરૂરી ડેટા આપવાનો નિર્દેશ આપવો જોઈએ. પરંતુ બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે OBC અનામતને લઈને દાખલ કરાયેલી રિટ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા OBC અનામતની અરજી ફગાવવાને મહારાષ્ટ્ર સરકાર માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું “મહારાષ્ટ્ર સરકારે અનામત લાગુ કરવા માટે ટ્રિપલ ટેસ્ટ પૂર્ણ કરવી જોઈએ. આનો અર્થ એ નથી કે કેન્દ્રને રાજ્યોને નકામા ડેટા આપવાનો આદેશ આપવામાં આવે. કારણ કે કેન્દ્રના મતે તે ડેટાનો કોઈ ઉપયોગ નથી. તેથી, અરજી ફગાવી દેવામાં આવે છે.”
સર્વોચ્ચ અદાલતે રાજ્ય ચૂંટણી પંચને સામાન્ય શ્રેણી તરીકે ઓબીસી માટે અનામત 27 ટકા બેઠકો માટે નવી સૂચના જારી કરવાનો અને બાકીની 73 ટકા બેઠકો સાથે તેમના માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અરજી ફગાવી દેતા ન્યાયમૂર્તિ એએમ ખાનવિલકર અને સીટી રવિકુમારની સર્વોચ્ચ અદાલતની બેન્ચે અવલોકન કર્યું કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે SECC-2011 પછાત વર્ગોના આંકડાઓની ગણતરી કરવા માટે ન હતું. કેન્દ્રએ એમ પણ કહ્યું કે સેન્સસ એક્ટ 1948 હેઠળ SECC-2011 હાથ ધરવામાં આવ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી માટે અનામત 27 ટકા બેઠકો પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અન્ય બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. બે અરજીઓ પર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યો હતો.