ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Amabani) મુંબઈમાં આવેલા ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો (Antilia Bomb Scare) મુકવા બદલ બરતરફ પોલીસ અધિકારી સચિન વાજે સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ આ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ચાર્જશીટમાં મનસુખ હિરેનને (Mansukh Hiren) ખતમ કરવાના કાવતરાનો ખુલાસો થયો છે. મનસુખ હિરેનની હત્યા માટે સોપારી ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા (Pradeep Sharma)ને આપવામાં આવી હતી.
એનઆઈએ (NIA)એ 3 સપ્ટેમ્બરે દાખલ કરેલી ચાર્જશીટમાં દાવો કર્યો છે કે સચિન વાજેએ હિરેનની હત્યા માટે પ્રદીપ શર્માને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ માટે વાજેએ પ્રદીપ શર્માને નોટોથી ભરેલી બેગ આપી હતી. બહાર આવેલા સમાચાર અનુસાર સચિન વાજેને ડર હતો કે હિરેન તૂટી જશે અને અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો રાખવાનું કાવતરું જાહેર કરી દેશે. સચિન વાજે સુપર કોપ બનવા માંગતા હતા. તે મોટા અને સમૃદ્ધ લોકોમાં ડર પેદા કરીને ખંડણીના વ્યવસાયને ચમકાવવા માંગતા હતા. જો હિરેને આ રહસ્યને બહાર લાવી દેત તો તે આ માર્ગમાં અવરોધ બની ગયો હોત.
2 માર્ચે મિટીંગ, 4 માર્ચે મર્ડર થયું
મનસુખ હિરેનની હત્યા કરવાનું કામ હાથમાં લીધા બાદ પ્રદીપ શર્માએ સંતોષ શેલાર (Santosh Shelar) સાથે વાત કરી અને પૈસાની લેવડદેવડની વાત કરીને હત્યાના કાવતરામાં તેને પણ સામેલ કરી લીધો. 4 માર્ચે હિરેનની હત્યા કરવામાં આવી હતી અને 2 માર્ચે આ લોકો ભેગા મળીને હત્યાની યોજના બનાવી હતી. ચાર્જશીટમાં બહાર આવ્યું છે કે 2 માર્ચે સચિન વાજે દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સુનિલ માને અને પ્રદીપ શર્મા હાજર હતા. મનસુખ હિરેનને ત્યાં પહેલેથી જ બોલાવવામાં આવ્યો હતો.
વાજેએ પ્રદીપ શર્મા હિરેનને ઓળખી શકે તે માટે મીટિંગ બોલાવી હતી
NIA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સચિન વાજે ઈચ્છતા હતા કે પ્રદીપ શર્મા હત્યા પહેલા હિરેનને સારી રીતે ઓળખી લે. પ્રદીપ શર્મા પણ ઈચ્છતા હતા કે આયોજનમાં કોઈ ગડબડી ન થવી જોઈએ, તેથી બધી વસ્તુ એક વખત સાફ થઈ જવી જોઈએ. તે જ દિવસે એટલે કે બીજી તારીખે સચિન વાજે ફરી એક વખત અંધેરીના ચકાલા વિસ્તારમાં સુનીલ માનેને મળ્યા. ત્યાં વાજેએ માનેને બુકી નરેશ ગૌર (Naresh Gaur) પાસેથી મળેલુ સિમ કાર્ડ અને મોબાઈલ સેટ આપ્યો.
આ રીતે થયું હત્યાનું પ્લાનિંગ
પ્રદીપ શર્માએ સંતોષ શેલાર પાસેથી ટાવેરા વાહનનો રજીસ્ટ્રેશન નંબર માંગ્યો હતો. આ વાહનનો ઉપયોગ હિરેનની હત્યા માટે થવાનો હતો. સુનિલ માનેને સચિન વાજે આપેલા સિમ કાર્ડમાં સમસ્યા હતી. તેથી માને 3 માર્ચે વાજેને મળવા તેમની ઓફિસ ગયા.
ત્યાં તેણે પોતાનો આપેલ મોબાઈલ સેટ અને સિમકાર્ડ સચિન વાજેને પરત કર્યો. આ પછી વાજે એ જ દિવસે ચકાલામાં માનેને મળ્યા. વાજેએ માનેને નવો મોબાઈલ સેટ અને સિમ આપ્યું. વાજેએ માનેને હિરેનને તાવડે નામથી ફોન કરીને થાણે વિસ્તારમાં બોલાવવાનું કહ્યું. અહીં ષડયંત્રના ભાગરૂપે હિરેનને સંતોષ શેલારને સોંપવાનો હતો.
હિરેનને 4 માર્ચની સાંજે ફોન આવ્યો
4 માર્ચની સાંજે સુનીલ માનેએ હિરેનને પોતાને મલાડ વિસ્તારનો પોલીસ અધિકારી ગણાવીને ફોન કર્યો. તેણે હિરેનને મળવા બોલાવ્યો. હિરેન તેની પાસે પહોંચ્યો ત્યારે સુનીલ માનેએ તેને સંતોષ શેલારને સોંપી દીધો. સંતોષ શેલાર ત્રણ લોકો (મનીષ સોની, સતીશ મોથુકરી અને નંદ જાધવ)ની સાથે ટાવેરા કારમાં હિરેનની રાહ જોઈ રહ્યા હતા. આ બધા લોકોએ મળીને હિરેનની કારમાં જ હત્યા કરી અને મૃતદેહને મુંબ્રાની ખાડીમાં ફેંકી દીધો.
માત્ર હત્યા જ નહીં પરંતુ બોડી ડીસ્પોઝ કરવા માટે પણ ઘડાયુ કાવતરુ
NIAની ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે કે અગાઉ 3 માર્ચે વાજે ફરી એક વખત પ્રદીપ શર્માને મળ્યા હતા અને તેમને પૈસાથી ભરેલી બેગ આપી હતી. બેગમાં ફક્ત 500 રૂપિયાની નોટો જ હતી. પૈસા લીધા બાદ પ્રદીપ શર્માએ સંતોષ શેલારને ફોન કરીને લાલ ટાવેરા કારની વ્યવસ્થા કરવાનું કહ્યું. હિરેનની હત્યા કર્યા બાદ તેમની બોડી ડીસ્પોઝ કરવા માટે શર્મા આ વાહનનો ઉપયોગ કરવા માંગતો હતો.
આ પણ વાંચો : Ambani Bomb Scare : NIAની તપાસમાં મોટા થયા ખુલાસા, બનાવટી રિપોર્ટ અને પૈસાની લેવડદેવડની મળી મહત્વની કડી