
સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચની કાર્યવાહી સામે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર 1 ઓગસ્ટે સુનાવણી કરવા સંમત થઈ છે. શિંદેની આગેવાની હેઠળના જૂથે વાસ્તવિક શિવસેના (Shiv Sena) તરીકે માન્યતા આપવા અનુરોધ કર્યો છે. ત્યારે આ નિર્ણયથી ઠાકરે જૂથને થોડી રાહત મળી છે. ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દેશની સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટિસ એન. વી. રમણ, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બેંચને કહ્યું કે ચૂંટણી પંચ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહી પર સ્ટે મૂકવો જરૂરી છે. કારણ કે તે અહીં કેસની સુનાવણીને અસર કરશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે આ અરજીની સાથે પેન્ડિંગ અરજીઓ પર 1 ઓગસ્ટે સુનાવણી કરશે.
નોંધનીય છે કે, ચૂંટણી પંચે તાજેતરમાં શિવસેનાના બંને પ્રતિસ્પર્ધી જૂથોને 8 ઓગસ્ટ સુધીમાં પક્ષ અને તેના પ્રતીક (ધનુષ અને તીર) પરના તેમના દાવાઓના સમર્થનમાં દસ્તાવેજો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષોને દસ્તાવેજો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં પક્ષના ધારાસભ્ય અને સંગઠનાત્મક પાંખના સમર્થન પત્રો અને પ્રતિસ્પર્ધી જૂથોના લેખિત નિવેદનોનો સમાવેશ થાય છે.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથની માગ કે, તેમને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવામાં આવે તે અરજી પર ચૂંટણી પંચની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. શિવસેનાના મહાસચિવ સુભાષ દેસાઈ દ્વારા પેન્ડિંગ પિટિશન સાથે નવી અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચને પણ પક્ષકાર બનાવવા માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી માંગવામાં આવી છે. ઠાકરે જૂથે ચૂંટણી પંચને પણ પત્ર લખીને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પિટિશનને ધ્યાનમાં રાખીને શિંદે જૂથની અરજીની સુનાવણી ન કરવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના નેતા એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોના બળવા પછી શિવસેનામાં ખેંચતાણ ચાલી રહી છે. એક પછી એક ધારાસભ્યો, કાર્યકરો અને સાંસદો શિંદે જૂથમાં ભળી રહ્યા છે. એકનાથ શિંદે અને તેમના જૂથ દ્વારા વારંવાર દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેઓ અસલી શિવસેના છે અને શિવસેનાના ચિહ્ન ધનુષ અને તીર પર પણ તેમનો જ હક છે.