Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં એક મોટો રાજકીય ડ્રામા થયો છે. NCP નેતા અજિત પવાર (Ajit Pawar) પક્ષ બદલીને એકનાથ શિંદે સરકારમાં જોડાયા છે. શરદ પવારના ભત્રીજા અજિત પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હવે તેઓ દેવેન્દ્ર ફડણવીસની સાથે રાજ્યના ડેપ્યુટી સીએમ રહેશે. રવિવારે રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અજિત પવારની સાથે દિલીપ વાલસે પાટીલ અને છગન ભુજબળ સહિત અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
દાવો કરવામાં આવી રહ્યો છે કે અજિત પવારે કાકા શરદ પવાર વિરુદ્ધ બળવો કરીને 40 ધારાસભ્યો સાથે પાર્ટીમાં ભાગલા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આખી ગેમ ખૂબ જ ગુપ્ત રીતે સેટ કરવામાં આવી હતી. શરદ પવાર પૂણેમાં હતા, જ્યારે આ સમગ્ર રાજકીય ચક્ર મુંબઈમાં રચાઈ રહ્યું હતું. અજિત પવારે NCP ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી, જ્યારે ભાજપ અને શિવસેના શિંદે જૂથની બેઠકો ચાલુ રહી હતી. રાજ્યમાં ત્રણ રાજકીય પક્ષોની બેઠક ચાલી રહી હતી, પરંતુ કોઈને તેના વિશે ખબર પડી ન હતી.
આ ત્રણ ‘ગુપ્ત બેઠકો’એ મહારાષ્ટ્રના સમગ્ર રાજકીય સમીકરણને બદલી નાખ્યું. અચાનક ખબર પડી કે અજિત પવાર એનસીપીના કેટલાક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા છે. ત્યારે ખબર પડી કે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ત્યાં હાજર છે. થોડી જ વારમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ અને અજિત પવાર શિંદે સરકારમાં જોડાયા. આ રીતે અજિત પવારે કાકા શરદ પવારને મોટો ઝટકો આપ્યો અને NCP ધારાસભ્યો સાથે મોટી રાજકીય રમત રમી.
અજિત પવારના બળવા બાદ હવે શરદ પવાર પાસે કુલ 14 ધારાસભ્યો બચ્યા છે. પુણેમાં શરદ પવારે કહ્યું છે કે અમે અજિત પવારની માંગણીઓ પર 6 જુલાઈએ નિર્ણય લઈશું. આ રાજકીય ડ્રામા બાદ એનસીપીના પ્રવક્તા મહેશ ભરત તાપસેએ કહ્યું છે કે આ શપથ ગ્રહણ સમારોહને પાર્ટી દ્વારા કોઈ માન્યતા આપવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રિયા સુલેએ અજિત પવારના ઘરે અજિત પવારને મનાવવાનો પ્રયાસ કર્યો અને ધારાસભ્યો સાથે એક મીટિંગ પણ કરી હતી.
આ પણ વાંચો : Maharashtra Political Crisis: શરદ પવારનો એ નિર્ણય જેનાથી અજિત પવારે કર્યો બળવો
શપથ ગ્રહણ સમારોહ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે હવે અમારી પાસે એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી છે. ડબલ એન્જિનવાળી સરકાર હવે ટ્રિપલ એન્જિનની બની ગઈ છે. મહારાષ્ટ્રના વિકાસ માટે હું અજિત પવાર અને તેમના નેતાઓનું સ્વાગત કરું છું. અજિત પવારનો અનુભવ મહારાષ્ટ્રને મજબૂત બનાવવામાં મદદ કરશે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો