
મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના મનવત તાલુકાના યશવાડી ગામ સ્થિત પ્રખ્યાત હનુમાન મંદિરમાં શનિવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મંદિર પરિસરમાં નિર્માણાધીન સભાખંડની છત અચાનક તૂટી પડતાં અંદાજે 20થી 25 ભક્તો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે શનિવારે સાંજે 6:30 વાગ્યા સુધીમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ઘટના સમયે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી. મંદિરના ગર્ભગૃહ સામે બનાવવામાં આવી રહેલા સભાખંડમાં ભક્તો હાજર હતા ત્યારે અચાનક છતનો એક મોટો ભાગ ધરાશાયી થયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ દળોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક નાગરિકોની મદદથી કાટમાળ હટાવવાની અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
દુર્ઘટનામાં ઘાયલ થયેલા ભક્તોને તાત્કાલિક સારવાર માટે પરભણી જિલ્લા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી પણ સામે આવી રહી છે, જોકે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી મૃતકોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે અનેક એમ્બ્યુલન્સ, તબીબી ટીમો તેમજ ભારે મશીનરી અને ક્રેન ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે.
In Maharashtra Parbhanithe tragic roof collapse incident at the Hanuman Temple in Yashwadi village 6 people died and 30-40 people are injured !#maharashtra pic.twitter.com/mz8yHgG01L
— Manan Trivedi (@itsurbunny7) June 20, 2026
આ ઘટનાને લઈને રાજ્યના મંત્રી મેઘના બોર્ડીકરે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે સંપર્ક સાધી જરૂરી તમામ રાહત સામગ્રી અને સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. ઉપરાંત, NCPના ધારાસભ્ય રાજેશ વિટેકર સહિત જિલ્લાના અન્ય અગ્રણી નેતાઓએ પણ બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું છે.
હાલ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રનું મુખ્ય ધ્યાન કાટમાળ નીચે દટાયેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ઘાયલોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવા પર કેન્દ્રિત છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
હું પદ છોડવા તૈયાર છું, પણ, પક્ષના વિભાજન વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
Published On - 5:09 pm, Sat, 20 June 26