દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટે (Omicron Variant of Corona) વિશ્વભરના લોકોના દિલમાં ફરી એકવાર ભય પેદા કર્યો છે. ઘણા દેશોએ મુસાફરી પર પ્રતિબંધ લાદ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાતો પ્રકાર ગણાવ્યો છે. તેની ગંભીરતાને સમજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શનિવારે મહત્વની બેઠક બોલાવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Maharashtra Chief Minister Uddhav Thackeray) પણ રવિવારે રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને કમિશનરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
આ બેઠકમાં ઓમિક્રોનના નવા જોખમના સંદર્ભમાં આગળનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટની કેટલી અસર થશે તે પ્રશ્નના સંદર્ભમાં, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ (Rajesh Tope, Health Minister of Maharashtra) શનિવારે જાલનામાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો કહી.
રાજેશ ટોપેએ સ્પષ્ટતા કરી કે હાલમાં ઓમિક્રોન વેરિઅન્ટની અસર દેશ અને મહારાષ્ટ્રમાં દેખાઈ રહી નથી. તેમણે કહ્યું કે બીજી લહેર ડેલ્ટા વેરિઅન્ટના કારણે આવી હતી. ત્રીજી લહેર પણ આવા કોઈપણ નવા વેરીઅન્ટને કારણે આવી શકે છે. પરંતુ જો આપણે તેને સમયસર ફેલાતા અટકાવીએ તો તે મોટી ચિંતાનો વિષય રહેશે નહીં. માત્ર સજાગ રહેવાની જરૂર છે.
હાલમાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના કોઈ પુરાવા નથી
રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, “અમે સામાન્ય રીતે દરેક જિલ્લામાંથી દર મહિને 100 નમૂનાઓ એકત્રિત કરીએ છીએ. અમે તેમની જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ. તેના કારણે ખબર પડે છે કે લીધેલા નમૂનાઓમાં ડેલ્ટા વેરિઅન્ટ છે કે અન્ય કોઈ વેરીઅન્ટ છે. અત્યાર સુધી, અમને અહીં કોઈ નવા વેરીઅન્ટ મળ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. દક્ષિણ આફ્રિકાથી આવતા લોકો પર નજર રાખવી જરૂરી છે અને અમે તે કરીશું.”
શું હવે શાળા ખોલવાના નિર્ણય પર પુનર્વિચાર થશે ?
ઓમિક્રોન વેરિઅન્ટ્સના જોખમને ધ્યાનમાં રાખીને, શું રાજ્ય સરકાર 1લી ડિસેમ્બરથી ધોરણ 1 થી 7 સુધીની શાળાઓ ખોલવાનો નિર્ણય પાછો ખેંચશે? આ અંગે વાત કરતા રાજેશ ટોપેએ કહ્યું કે, રાજ્ય સરકારે 1 ડિસેમ્બરથી શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના આ પ્રસ્તાવને આરોગ્ય વિભાગે લીલી ઝંડી આપી દીધી છે.
હાલમાં આ નિર્ણયમાં કોઈ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. જો કે, રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. બેઠકમાં આ મુદ્દે મહત્વની ચર્ચા થશે અને તે મુજબ આગળના એક્શન પ્લાનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને કેન્દ્ર સરકારની સુચનાઓ અનુસાર નિર્ણય
રાજ્યના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, “વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સ્પષ્ટતા કરી છે કે ઓમિક્રોન એક નવો વેરિઅન્ટ છે અને તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાતો વેરિઅન્ટ છે. તેને વધુ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ સંબંધિત માહિતી સામે આવશે, ત્યારે અમે તે માહિતીના આધારે પગલાં પણ લઈશું.
રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, “હાલમાં, દેશમાં આવા કોઈપણ વેરિઅન્ટની હાજરી જોવા મળી નથી. પરંતુ અમે ખૂબ કાળજી રાખીએ છીએ. અમે દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરો માટે 72 કલાકની અંદર કરવામાં આવેલા RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. કડક તપાસ અને પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ પણ અમે ત્યાંથી આવતી ફ્લાઈટ્સ પર અહીં લેન્ડ થવા પર પ્રતિબંધ લગાવ્યો નથી. આ માટે અમારી નજર કેન્દ્ર સરકારના નિર્ણય પર ટકેલી છે. અમે આ માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.”
આ પણ વાંચો : મહારાષ્ટ્ર અને રાજસ્થાનમા અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 8ના મોત, શનિવારે ફર્યુ યમરાજાનું કાળચક્ર