મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટે હવે વેગવંતો બન્યો છે. ત્યારે NHSRCLએ શનિવારે 508 કિલોમીટર લાંબા રૂટ પર સંપૂર્ણ ઊંચાઈના પ્રથમ સ્તંભનું નિર્માણ પુરુ કર્યુ છે. ગુજરાતના વાપી નજીક ચેઈનેજ 167 (chainage 167) પર સ્થાપિત આ સ્તંભ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. અહેવાલો મુજબ બુલેટ ટ્રેન રૂટ માટે આવા ઘણા સ્તંભોનું નિર્માણ કરવામાં આવશે. બુલેટ ટ્રેન 12 સ્ટેશનો પર ચાલશે, જે મહારાષ્ટ્ર, દાદર અને નગર હવેલી અને ગુજરાતને જોડશે.
બુલેટ ટ્રેનનો આ સ્તંભ ધરાવે છે 4 માળની બિલ્ડીંગ જેટલી ઉંચાઈ
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું આ કોરિડોર પર સ્તંભની સરેરાશ ઉંચાઈ આશરે 12-15 મીટર છે અને કાસ્ટ પિયરની ચોક્કસ ઉંચાઈ 13.05 મીટર છે, જે લગભગ ચાર માળની બિલ્ડીંગ જેટલી ઉંચાઈ છે. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે આ સ્તંભ 183 ઘન મીટર કોંક્રિટ અને 18.820 MT સ્ટીલ સાથે નાખવામાં આવ્યો છે.
NHSRCLના પ્રવક્તાએ વધુમાં જણાવતા કહ્યું કે કોવિડ -19ના કપરા સમય ઉપરાંત ચોમાસાની ઋતુ ચાલુ હોવાના કારણે માણસોની તીવ્ર અછત અને અન્ય લોજિસ્ટિકલ પડકારો હોવા છતાં આ મુખ્ય બાંધકામનો પડકાર પુર્ણ કરવામાં આવ્યો છે. આ સાથે જ આવનારા મહિનાઓમાં આ પ્રકારના ઘણા સ્તંભો નાખવાની યોજના પણ છે.
NHSRCLએ એજન્સી છે જેને મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતનો પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ સંસ્થાએ ઘણા પ્રોજેક્ટ જેવા કે રેલવે ટ્રેક, પુલ, ટનલ, સ્ટેશન અને ડેપો સફળાપૂર્વક પાર પાડ્યા છે.
ક્યારે દોડશે બુલેટ ટ્રેન?
જો કે દેશમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે તે એક મુદ્દો બની ગયો છે, જેના વિશે ઘણાં પ્રશ્નો પૂછાવવા લાગ્યા છે. તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતીય રેલવે દરેક પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે મોદી સરકારની મેગા યોજનાનો ભાગ છે.
જેમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. જોકે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિવિધ કારણોસર 2023 સુધી દોડી શક્શે નહીં. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની ધીમી ગતિને કારણે આ પ્રોજેક્ટ પર વિપરીત અસર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે દ્વારા 14 સપ્ટેમ્બર, 2017ના રોજ 1.08 લાખ કરોડ રૂપિયાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પાયો નાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Maharashtra Unlock: 25 જિલ્લામાં દુકાનો હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહેશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન