આર્યન ખાન ડ્રગ કેસને (Aryan Khan Drug Case) દબાવવા માટે 25 કરોડના સોદાના આરોપમાં આજે એનસીબીની પાંચ સભ્યોની વિજિલન્સ ટીમે સમીર વાનખેડેની (Sameer Wankhede) પૂછપરછ કરી હતી. ચારથી સાડા ચાર કલાક સુધી ચાલેલી આ પૂછપરછ બાદ સમીર વાનખેડે મીડિયા સાથે વાત કર્યા વગર જ પોતાની કારમાં જતા રહ્યા હતા. NCBની આ ટીમનું નેતૃત્વ કરી રહેલા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે આ પછી મીડિયા સાથે વાત કરી.
NCBના ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે 25 કરોડના આ સોદાનો આરોપ લગાવનાર પ્રભાકર સાઈલને ગુરુવાર અથવા શુક્રવારે એનસીબી ઑફિસમાં આવીને તેમની વાત કહેવાનો અને કેસ સંબંધિત તથ્યોને રાખવાનો અનુરોધ કર્યો. તેમણે કે.પી.ગોસાવીને પણ આ મામલે તપાસમાં જોડાવાનો અનુરોધ કર્યો. જ્ઞાનેશ્વર સિંહે કહ્યું ‘અમારી નોટિસ પ્રભાકર સાઈલ અને કિરણ ગોસાવી સુધી પહોંચી નથી.
મીડિયા દ્વારા અમે બંનેને અનુરોધ કરીએ છીએ કે તેઓ તપાસમાં સામેલ થાય અને પુરાવા આપે. અમે ઉપલબ્ધ સરનામે તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. એકનું ઘર બંધ હતું. અન્ય તેમના ઘરે ઉપલબ્ધ નહોતા.” જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
એનસીબીના ડીડીજી અને ચીફ વિજિલન્સ ઓફિસર જ્ઞાનેશ્વરે કહ્યું કે આ કેસની તપાસ આજથી શરૂ કરવામાં આવી છે, એનસીબી મુંબઈ ઓફિસમાંથી વાનખેડે સામેના તમામ આરોપો સાથે સંબંધિત ડોક્યુમેન્ટ એકત્રિત કરવામાં આવ્યા છે.
એનસીબી ઓફિસમાં જ વાનખેડેની પૂછપરછ કરવામાં આવી. તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. દિલ્હીથી વિજીલન્સના 5 સભ્યોની ટીમ આજે (બુધવાર, 27 ઓક્ટોબર) સવારે મુંબઈ પહોંચી અને સીધી NCB ઓફિસ આવી. લગભગ 3 કલાકથી અહીં કેસ સંબંધિત કાગળો અને ફાઈલો એકત્ર કરવામાં આવી છે. એટલે કે, વિજિલન્સ ટીમે તેનું હોમવર્ક કરી લીધું છે. હવે આ કેસ સાથે જોડાયેલા લોકોના નિવેદન નોંધવામાં આવશે.
જણાવી દઈએ કે 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર મુંબઈ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં NCB ટીમે દરોડા પાડીને આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરી હતી અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ધરપકડનો આંકડો 20 લોકો સુધી પહોંચ્યો હતો. આ ધરપકડ બાદ કે. પી. ગોસાવી નામના વ્યક્તિની આર્યન ખાન સાથેની સેલ્ફી વાયરલ થઈ હતી. તે આ કેસનો સાક્ષી છે જે બાદમાં ફરાર થઈ ગયો હતો.
તેના બોડીગાર્ડ તરીકે કામ કરતા પ્રભાકર સાઈલે દાવો કર્યો હતો કે તેણે કેપી ગોસાવી અને સેમ ડિસોઝાની વાતચીત સાંભળી હતી. આ વાતચીતમાં ગોસાવીએ સેમને 25 કરોડનો બોમ્બ મુકવાનું કહ્યું હતું અંતે તેણે 18 કરોડમાં ડીલ ફિક્સ કરવાની વાત કરી હતી. ગોસાવીએ સેમને કહ્યું કે 18 કરોડમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવા પડશે. પ્રભાકરે દાવો કર્યો છે કે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની સાથે આ ડીલ ફાઈનલ થઈ રહી હતી. આ ડીલના આરોપ અંગે NCB વિભાગીય તપાસ કરી રહી છે અને સમીર વાનખેડેની પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો : “મારી માતાના કહેવાથી મેં નિકાહ કર્યા, એમાં ખોટુ શું છે ?” નવાબ મલિકના આરોપ પર સમીર વાનખેડેનો પલટવાર