મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં (Mumbai) એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના (sports complex) નામને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. મૈસુરના શાસક ટીપુ સુલતાનના નામ પર આ સંકુલનું નામ રાખવાને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. બજરંગ દળ આના વિરોધમાં ઉતરી આવ્યું છે. વિરોધ કરવા બદલ મુંબઈ પોલીસે બજરંગ દળના કાર્યકરોની અટકાયત કરી હતી. બીજેપી નેતાએ કહ્યું કે આ મુંબઈની શાંતિ ડહોળવા માટે થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓ ટીપુ સુલતાનના નામકરણનો વિરોધ કરવા માલવાણીના ચોકમાં પહોંચતા જ પોલીસે તેમને અટકાવ્યા અને આગળ વધવા દીધા ન હતા. આ પછી કાર્યકર્તાઓએ રસ્તા પર જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.
મુંબઈ પોલીસે બજરંગ દળના કાર્યકરોને રસ્તા પરથી ઉપાડ્યા અને કસ્ટડીમાં લીધા.આ પછી વિશ્વ હિન્દુ પરિષદના શ્રીરાજ નાયરે મુંબઈ પોલીસ પર અસલમ શેખની પોલીસ હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના યોગેશ વર્માએ જણાવ્યું હતું કે પોલીસના ઘણા પ્રયત્નો પછી પણ ભાજપ અને અન્ય સંગઠનો વિરોધ કરતા જોવા મળ્યા હતા અને મંત્રી અસલમ શેખને માલવાણીને પાકિસ્તાન ન બનવા દેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
Maharashtra: Mumbai Police takes into custody Bajrang Dal workers protesting against the naming of a sports complex after Tipu Sultan pic.twitter.com/Ky678EhATa
— ANI (@ANI) January 26, 2022
આ મામલે ભાજપના નેતાઓ રાજ્યના મુખ્યમંત્રી પર નિશાન સાધતા કહી રહ્યા છે કે જેઓ અત્યાર સુધી હિન્દુત્વની સલાહ આપી રહ્યા હતા. હવે તેમની સરકારમાં ટીપુ સુલતાનના નામ વાળા મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હિંદુઓ પર બર્બરતા આચરનારા ટીપુ સુલતાનના નામ પર મેદાનનુ નામ રાખવા સામે વાંધો ઉઠાવ્યો છે. VHP પ્રવક્તાએ કહ્યું, “આ સ્પષ્ટપણે મુંબઈની શાંતિને ખલેલ પહોંચાડવા માટે થઈ રહ્યું છે અને તેને નકારી શકાય નહીં. મહારાષ્ટ્ર સંતોની ભૂમિ છે અને એક હિંદુ-વિરોધીના નામ પર પ્રોજેક્ટનું નામ રાખવું ઘણું ખોટું છે.”
આ પહેલા મુંબઈમાં એક પાર્કનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવા બદલ વિવાદ થયો હતો. અહીં દેવનાર ડમ્પિંગ રોડ પર બની રહેલા પાર્કનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવામાં આવતા હોબાળો થયો હતો. તે સમયે સમાજવાદી પાર્ટી પાર્કનું નામ બદલીને ટીપુ સુલતાન રાખવાની વાત કરી રહી હતી ત્યારે ભાજપ અને હિન્દુ મંચે તેનો વિરોધ કર્યો હતો.
એક મુસ્લિમ શાસકના નામ પર પાર્કના નામ પર નારાજગી વ્યક્ત કરતા, હિન્દુ જાગરણ મંચે મુંબઈના મેયર કિશોરી પેડનેકરને એક આવેદન સોપ્યુ છે. સપાના આ પ્રસ્તાવનો હિન્દુ મંચે વિરોધ કર્યો છે. હિન્દુ જનજાગૃતિ સમિતિએ મુંબઈના મેયરની સામે આનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ટીપુ સુલતાન હિંદુ વિરોધી હતો. તેણે હિંદુઓની હત્યા કરી હતી. આ કારણોસર પાર્કનું નામ ટીપુ સુલતાનના નામ પર ન રાખવું જોઈએ.