મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ નવો આદેશ આપ્યો છે. હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બાંધકામના કામો (Construction Works) નહીં થઈ શકે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણને (Mumbai Noise Pollution) લઈને ઘણી ફરિયાદો થઈ રહી છે. ફરિયાદોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું નથી. આ પ્રદૂષણ ભલે દેખાતું ન હોય પરંતુ તે જીવલેણ છે. જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ધ્વનિ પ્રદૂષણમાં થોડો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ રાત્રી દરમિયાન કરવામાં આવતું બાંધકામ છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
મુંબઈ પોલીસ કમિશનરે મુંબઈમાં અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટે આ આદેશ આપ્યો છે. પોલીસ કમિશનરને ખ્યાલ આવ્યો કે ધ્વનિ પ્રદૂષણને કારણે ઘણા લોકો પરેશાન થઈ રહ્યા છે. તેથી આ ફરિયાદ પર ધ્યાન આપવાની જરૂર છે. આ પછી સંજય પાંડેએ બાંધકામ સાથે જોડાયેલા વેપારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે આદેશ આપ્યો હતો કે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવશે નહીં.
મુંબઈમાં રાત્રિ દરમિયાન બાંધકામ બંધ રાખવા સંબંધિત માહિતી ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને આપવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બાંધકામના સ્થળો પર અવાજને દૂર દૂર સુધી ફેલાતો અટકાવવાની વ્યવસ્થા કરવામાં આવે. એવી ટેકનિકનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અવાજો દૂરથી સંભળાય નહીં. અવાજ નિર્ધારિત ડેસિબલ મર્યાદાથી વધી ન જાય તેનું ધ્યાન રાખવા જણાવાયું છે. અવાજનું સ્તર 65 ડેસિબલથી વધુ ન થાય તેનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે.
પોલીસ કમિશનર બન્યા બાદ સંજય પાંડે સામાન્ય નાગરિકો સાથે સંપર્ક સાધવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયામાં આવતી નાગરિકોની ફરિયાદો પર ધ્યાન આપી રહ્યા છે. ફેસબુક લાઈવમાં ઘણા લોકોએ તેમની સામે અવાજ પ્રદુષણની ફરિયાદ કરી હતી. આ પછી સંજય પાંડેએ મુંબઈના કેટલાક મોટા બિલ્ડરો અને બિઝનેસમેન સાથે બેઠક કર્યા બાદ આ આદેશ આપ્યો હતો.