
Mumbai Bus Accident : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે રાત્રે એક દુ:ખદ બસ અકસ્માત સર્જાયો હતો. મુંબઈના ગીચ વસ્તીવાળા વિસ્તાર કુર્લામાં એક સરકારી બસ તેજ ગતિએ પ્રવેશી હતી. આ દરમિયાન સ્પીડમાં આવતી બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા.
આખરે બસ એક બિલ્ડીંગના આરસીસી કોલમ સાથે અથડાઈને થંભી ગઈ. પરંતુ બિલ્ડિંગની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન બસે 100 મીટરની ત્રિજ્યામાં 40 વાહનોને ટક્કર મારી હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 49 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સવાલ એ છે કે આટલા મોટા અકસ્માત પાછળનું કારણ શું છે? ડ્રાઈવર નશામાં હોવાને કારણે આ અકસ્માત થયો કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ? આ અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના સમયે હાજર સ્થાનિક લોકોનું કહેવું છે કે બસ ડ્રાઈવર નશામાં હતો. દરમિયાન DCP ઝોન 5 ગણેશ ગાવડેએ જણાવ્યું હતું કે આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. મામલાની તપાસ ચાલુ છે.
આ ઘટના સોમવારે રાત્રે 9.50 કલાકે બની હતી. આ અકસ્માત મુંબઈના પશ્ચિમ કુર્લા વિસ્તારમાં એલ વોર્ડની સામે આવેલી અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ પાસે એસજી બારવે રોડ પર થયો હતો. સ્પીડમાં આવતી બસ અનિયંત્રિત હાલતમાં ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
બસે 100 મીટરના અંતરે અલગ-અલગ 30-40 વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે રસ્તા પર અને વાહનોમાં બેઠેલા કેટલાક લોકોને ઈજા થઈ હતી. ચારેબાજુ ચીસો પડી રહ્યા હતા.
7 dead and many people are injured after a #BESTbus collided with multiple vehicles in #Mumbai‘s #Kurla west area#KurlaAccident #TV9Gujarati #TV9News pic.twitter.com/6ynJmMRi4i
— Tv9 Gujarati (@tv9gujarati) December 10, 2024
સરકારી બસનો નંબર MH-01, EM-8228 છે. તે બેસ્ટની ઇલેક્ટ્રિક બસ હતી. જે કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જઈ રહી હતી. ભીડવાળા વિસ્તારમાં 100 મીટર સુધી બસ લોકો અને અન્ય વાહનોને અથડાતી રહી. જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા અને રસ્તા પર પડી ગયા. આખરે બસ એક બિલ્ડીંગને ટક્કર માર્યા બાદ થંભી ગઈ. સમગ્ર ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી વાહનોમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને ખાનગી વાહનોમાં તેમજ 108 એમ્બ્યુલન્સમાં નજીકની કુર્લા ભાભા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કુર્લા ભાભા હોસ્પિટલના ડો. પદ્મશ્રી આહીરેના જણાવ્યા અનુસાર 4 ઇજાગ્રસ્તોના સારવાર દરમિયાન મોત થયા હતા. બાકીના તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.
DCP ઝોન 5 ગણેશ ગાવડેએ જણાવ્યું કે, બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બસને સ્થળ પરથી હટાવી લેવામાં આવી છે. બસની આરટીઓ તપાસ કરશે. તેમણે જણાવ્યું કે આ મામલે કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. બસ ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે DCP ગાવડેએ ડ્રાઈવર નશામાં હોવા અંગે કંઈ કહ્યું ન હતું. તેમણે કહ્યું કે, આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તપાસ ચાલુ છે.
શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડેનું કહેવું છે કે, બ્રેક ફેઈલ થવાને કારણે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડ્રાઈવર નર્વસ થઈ ગયો જેના કારણે તેણે બ્રેક દબાવવાને બદલે એક્સીલેટર દબાવ્યું અને બસની સ્પીડ વધી ગઈ. જો કે આ ઘટના પાછળનું કારણ અંગે હજુ સુધી પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. તેમજ ડ્રાઈવર નશામાં હતો કે નહીં તે અંગે પોલીસે સ્પષ્ટતા કરી નથી.