Mumbai: એન્જીનિયરથી લઈ ડબલ ગ્રેજ્યુએટ પાસે નથી નોકરી પણ શરમાતા નથી આ કામ કરતા

Mumbai News : લોકો ઘર ચલાવવા માટે કોઈપણ કામ કરવા તૈયાર છે. પછી તે ઓછુ ભણેલા હોય કે વધારે ભણેલા હોય.

Mumbai: એન્જીનિયરથી લઈ ડબલ ગ્રેજ્યુએટ પાસે નથી નોકરી પણ શરમાતા નથી આ કામ કરતા
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Jun 14, 2021 | 4:55 PM

બેરોજગારી (Unemployment)ના કારણે માણસ કોઈપણ કામ કરવા તૈયાર થઈ જાય છે. કોરોના (Corona) મહામારીના કારણે લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે. પરંતુ સ્થિતી એ છે કે લોકો ઘર ચલાવવા માટે કોઈપણ કામ કરવા તૈયાર છે. પછી તે ઓછુ ભણેલા હોય કે વધારે ભણેલા હોય. ત્યારે મુંબઈમાં અત્યારે ડબલ ગ્રેજ્યુએટ અને આઈટી એન્જીનિયર લોકો નાળાની સફાઈ કરી રહ્યા છે. જો કે મહત્વપૂર્ણ વાત એ છે કે આટલું ભણેલા હોવા છતાં તેઓ આ કામ કરતા શરમાતા નથી અને તેમને કોઈ કામ નાનું નથી લાગી રહ્યુ.

 

તેમનું કહેવુ છે કે તેમની પાસે કોઈ કામ નથી એટલે નાળાની સફાઈ કરી તેઓ પૈસા કમાઈ રહ્યા છે. તેનાથી તેઓ પોતાના પરિવારની મદદ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે વરસાદના કારણે અત્યારે મુંબઈમાં નાળાની સાફ-સફાઈનું કામ પ્રાઇવેટ ઠેકેદારોને આપવામાં આવ્યુ છે. જો કે આ પ્રાઈવેટ ઠેકેદારો સાથે ભણેલા ગણેલા લોકો પણ આ કામ કરી રહ્યા છે. જેમાં ડબલ ગ્રેજ્યુએટ સમીર પણ સામેલ છે. જો કે સમીરનું કહેવુ છે કે કામ તો કામ છે.

 

સમીરે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી ઠેકેદાર સાથે કામ કરી રહ્યા છે. સમીરે કહ્યું કે તેણે નોકરી શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોરોના મહામારીના કારણે તેઓને નોકરી મળી શકી નથી. પરિવારનું ગુજરાન ચલાવવા કામ કરવુ જરુરી હતુ, જેથી તેઓને કામ કરવુ પડ્યુ.

 

જ્યારે અનિલ નામના એક આઈટી એન્જીનિયરે કહ્યું કે કોરોનાના કારણે તેમની નોકરી જતી રહી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ કામ ન હતુ. તેઓ દરરોજ 10 કિલોમીટર ચાલીને આવે છે અને નાળાની સફાઈ કરે છે. જો કે કર્મચારીઓનું કહેવુ છે કે જીવતા રહેવા માટે પૈસા જરુરી છે. એટલે કોઈપણ કામ કરવામાં શરમ ન હોવી જોઈએ.

 

આ પણ વાંચો: World Blood Donor Day: ગુજરાતમાં સ્વૈચ્છિક રક્તદાનમાં રાજકોટ શહેરે મારી બાજી, જાણો રક્તદાન કરવાના ફાયદા