મુંબઈ (Mumbai) માં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું છે. નવેમ્બરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો હતો, પરંતુ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી ફરી કોરોના સંક્રમણ (New Cases Of Corona) વધવા લાગ્યું. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહની સરખામણીએ આ અઠવાડિયે 16 ટકા વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા પણ એક ટકાથી વધુ થઈ ગઈ છે. મુંબઈમાં કોરોનાની બીજી લહેરની અસર (second wave of Corona) ઓક્ટોબરથી ઓછી થવા લાગી હતી. નવેમ્બરથી, દરરોજ આવતા નવા કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવા લાગ્યો હતો.
નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં દરરોજ અઢીસો જેટલા દર્દીઓ આવતા હતા. મહિનાના અંત સુધીમાં આ સંખ્યા ઘટીને 200 થઈ ગઈ હતી. ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી, કોરોના સંક્રમિતોની સંખ્યા ધીમે ધીમે ફરી એકવાર વધવા લાગી. ડિસેમ્બરના ત્રીજા અઠવાડીયાથી આ સંખ્યા વધીને 250 કેસથી પણ વધવા લાગી છે. રવિવારે મુંબઈમાં નવા કેસનો આંકડો 300ને વટાવી ગયો છે.
પ્રથમ સપ્તાહની સરખામણીએ ત્રીજા સપ્તાહમાં કોરોનાના કેસમાં 16 ટકાનો વધારો થયો છે
1 થી 7 ડિસેમ્બરની વચ્ચે મુંબઈમાં કોરોનાના 1 હજાર 189 નવા કેસ નોંધાયા છે. 8 થી 14 ડિસેમ્બરની વચ્ચે કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1 હજાર 224 થઈ ગઈ છે. 15 થી 19 ડિસેમ્બરની વચ્ચે એટલે કે આ પાંચ દિવસમાં કોરોના સંક્રમિતના નવા કેસ 1 હજાર 391 પર પહોંચી ગયા છે. આ રીતે પહેલા અઠવાડિયાની સરખામણીએ ત્રીજા સપ્તાહમાં કોરોનાના કેસમાં 16 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 0.70 ટકા એટલે કે એક ટકાથી ઓછી હતી. પરંતુ ત્રીજા સપ્તાહમાં આ સંખ્યા વધીને એક ટકાથી વધુ થઈ ગઈ.
ઓમિક્રોનના જોખમનું સાચું અનુમાન નવા વર્ષમાં જાણી શકાશે
આ દરમિયાન કોરોનાના નવા વેરીઅન્ટ ઓમીક્રોન (Omicron) ની વાત કરીએ તો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ઓમીક્રોનનું સંક્રમણ આંતરરાષ્ટ્રીય પ્રવાસિઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોમાં જોવા મળ્યો છે.
તેથી, હાલમાં ઓમિક્રોન સંક્રમણનો ફેલાવો મર્યાદિત છે. આના વિશે એવું કહી શકાય નહીં કે આ આખા સમાજમાં ફેલાઈ ગયો છે. પરંતુ સંક્રમણથી બચવા માટે કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી બાદ 15 જાન્યુઆરીની આસપાસ સંક્રમણ કેટલી ઝડપથી ફેલાય છે, તે જોવાનું રહેશે.