Mumbai Corona Alert : કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર મુંબઈમાં કોરોના કેસમાં (Corona Case in Mumbai) ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMC દ્વારા કડક નિયમો કરવામાં આવ્યા છે.બોમ્બે મ્યુનિસિપલ કોર્પરેશન (Bombay Municipal Corporation) દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર હવેથી એરપોર્ટ પર તમામ આંતરાષ્ટ્રીય મુસાફરોનુ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે ઉપરાંત જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તેને નિયત કરાયેલી હોસ્પિટલમાં જ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે.
BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા(Corona Guidelines) સોમવારથી અમલમાં આવી છે. આ આદેશમાં જણાવાયું છે કે, “તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એરપોર્ટ પર જ રેપિડ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.” ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે જેને પગલે તંત્ર હાર સતર્ક જોવા મળી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે,અગાઉ RT-PCR ટેસ્ટ ફક્ત ‘જોખમવાળા દેશો’માંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ (International Passenger) માટે જ ફરજિયાત હતો. પરંતુ વધતા સંક્રમણને પગલે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આ નિયમો લાદવામાં આવ્યા છે.BMC અધિકારીએ જણાવ્યું હતુ કે, રેપિડ RT-PCR ટેસ્ટ કરવનાર મુસાફરનો રિપોર્ટ જો નેગેટિવ આવશે તો પણ તેણે 7 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવુ પડશે.
જ્યારે એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવેલા તમામ મુસાફરોને સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, જ્યારે એસિમ્પટમેટિક મુસાફરોને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અથવા કાંજુરમાર્ગ માં દાખલ કરવામાં આવશે. માર્ગદર્શિકા અનુસાર જો કોઈ કોરોના લક્ષણવાળા પેસેન્જર ખાનગી હોસ્પિટલ પસંદ કરે છે, તો તેને બોમ્બે હોસ્પિટલ અથવા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ સારવાર લેવાની રહેશે.આમ, વધતા કોરોના અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનને પગલે તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.