Sharad Pawar's daughter and MP Supriya Sule
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓ, જેઓ રાજ્ય સરકાર સાથે વિલીનીકરણની માંગણીને લઈને પાંચ મહિનાથી હડતાળ (MSRTC Workers Protest) પર છે, તેઓ આજે (8 એપ્રિલ, શુક્રવાર) આક્રમક બન્યા છે. મુંબઈમાં NCPના વડા શરદ પવારના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ની બહાર ભેગા થઈને, આ રાજ્ય પરિવહન કર્મચારીઓ (ST Workers)એ ચોર ચોર કહીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચપ્પલ અને પથ્થરો ફેંક્યા હતા. આ આંદોલનકારી કાર્યકરો આંદોલન દરમિયાન થયેલા 120 કર્મચારીઓના મોત માટે શરદ પવાર, અજિત પવાર અને મહા વિકાસ અઘાડી સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. કર્મચારીઓના આ એકાએક આક્રમક આંદોલનને કારણે પવાર પરિવાર અને સરકાર સાથે સંબંધિત લોકોના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.
સ્થળ પર પોલીસની સંખ્યા ઓછી અને આંદોલનકારીઓની સંખ્યા વધુ હોવાથી એક રીતે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે અહીં પહોંચી હતી. તેમણે કર્મચારીઓને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ચર્ચા માટે તૈયાર છે. પરંતુ કર્મચારીઓ એટલા આક્રમક હતા કે તેઓએ સુપ્રિયા સુલેની અપીલ પર ધ્યાન આપ્યુ ન હતું.
આંદોલનકારીઓના મતે કર્મચારીઓની હાલત માટે શરદ પવાર જવાબદાર
આ દરમિયાન પોલીસે આંદોલનકારીઓને સ્કૂલ બસમાં બેસાડી આઝાદ મેદાન તરફ લઈ ગયા. આ દરમિયાન એનસીપીના કાર્યકરો અને પદાધિકારીઓ પણ સિલ્વર ઓકના બંગલા પર પહોંચી ગયા હતા. NCP સમર્થકો અહીં પહોંચ્યા અને શરદ પવારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જેના કારણે એક રીતે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
બીજી તરફ કર્મચારીઓ ગુસ્સામાં બૂમો પાડી રહ્યા હતા કે, ‘આ ચોરોની સરકાર છે, જેનું નેતૃત્વ શરદ પવાર કરે છે. આત્મહત્યા કરનારા કર્મચારીઓના મૃત્યુ માટે તેઓ જવાબદાર છે. તેમની સામે હત્યાનો કેસ નોંધવો જોઈએ. અમારા પર જુલમ કરનાર સરકારનો નાશ થવો જોઈએ. મહારાષ્ટ્રના નિર્માણમાં અમારું પણ યોગદાન છે. સંવેદનહીન સરકાર પોતાના સ્વાર્થ માટે જ કામ કરી રહી છે.
નિયત સમયમાં કામ પર પરત ફરનારને મળશે આ લાભ
જણાવી દઈએ કે હાઈકોર્ટે પોતાના આદેશમાં સરકારને નિર્દેશ આપ્યો છે કે 22 એપ્રિલ સુધીમાં કામ પર પાછા ફરનારા કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે, પરંતુ જે કર્મચારીઓ કામ પર પાછા નહીં ફરે તેમની સામે કાર્યવાહી કરવાનો અધિકાર કોર્પોરેશનને હશે. વાહનવ્યવહાર મંત્રી અનિલ પરબે પણ હાઈકોર્ટના આદેશને ઉલ્લેખીને સ્પષ્ટ કર્યું છે કે, જે કર્મચારીઓ નિયત સમય સુધીમાં કામ પર પાછા ફરે છે, તેમને સાતમા પગાર પંચ મુજબ તેમને વધેલો પગાર મળશે, ગ્રેચ્યુટીનો લાભ મળશે, પીએફ અને અન્ય સુવિધાઓ અમલમાં રહેશે, પરંતુ રાજ્ય સરકાર સાથે પરિવહન નિગમનું વિલીનીકરણ શક્ય નથી.