ભારતમાં દરરોજ કરોડો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. ભારતીય રેલવે (Indian Railway) મુસાફરોની મુસાફરીની સુવિધા માટે સમયાંતરે નવી યોજનાઓ પણ લાવે છે. સમગ્ર ભારતમાં લગભગ 8,338 રેલવે સ્ટેશન છે. કરોડો લોકોની મુસાફરીને સરળ બનાવતી ભારતીય રેલવે લાખો લોકોને રોજગાર પણ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં (Mumbai) એક એવું સ્ટેશન છે જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે. આ અનોખા રેલવે સ્ટેશનનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના મુંબઈમાં માટુંગા રેલ્વે સ્ટેશન ભારતનું એક એવું સ્ટેશન છે જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે. માત્ર મહિલાઓના જ કામ કરવા પાછળનું કારણ મહિલા-સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું છે. ભારતીય રેલવેનો મહિલાઓને આગળ વધવામાં મદદ કરવાનો આ એક પ્રયાસ છે. માટુંગામાં 41 મહિલા કર્મચારીઓ છે જે આખા સ્ટેશનનું સંચાલન કરે છે.
સેન્ટ્રલ રેલવે દ્વારા વર્ષ 2017માં માટુંગા રેલવે સ્ટેશન પર મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. આ રેલ્વે સ્ટેશનનું નામ વર્ષ 2018માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ માત્ર મહિલા કર્મચારીઓ સાથે સામેલ કરવામાં આવ્યું હતું.
રેલવે પોલીસ ફોર્સ (RPF) દ્વારા આ રેલવે સ્ટેશન પર માત્ર મહિલા કર્મચારીઓને તૈનાત કરવામાં આવી છે. આ RPF મહિલા કર્મચારીઓ 24 કલાક સ્ટેશન પર કામ કરીને સામાન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
જાણીને નવાઈ લાગશે કે માટુંગા રેલ્વે સ્ટેશન પર માત્ર આ મહિલા કામદારો જ નાનું-મોટું કામ કરે છે. આમાં ટિકિટના વિતરણથી લઈને ટ્રેનના સંચાલન સુધીની જવાબદારી આ મહિલા કર્મચારીઓના ખભા પર છે. રેલવે સ્ટેશનની સફાઈનું કામ પણ મહિલા કર્મચારીઓની જવાબદારી છે. અહીં કાર્યરત 41 મહિલા કર્મચારીઓમાંથી 17 મહિલાઓની ઓપરેશન્સ અને કોમર્શિયલ વિભાગમાં ભરતી કરવામાં આવી છે.
6 મહિલાઓને રેલવે પ્રોટેક્શન ફોર્સમાં અને 8 મહિલાઓને ટિકિટ ચેકિંગ માટે રાખવામાં આવી છે. 2 મહિલાઓ ઉદ્ઘોષક તરીકે કામ કરે છે. આ સાથે 2 મહિલા સુરક્ષા કર્મચારીઓ અને પાંચને અન્ય જગ્યાએ મુકવામાં આવ્યા છે. અહીં સ્ટેશન મેનેજરને પણ મહિલા રાખવામાં આવી છે. જે વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપી રહી છે અને આ દર્શાવે છે કે મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પુરૂષોથી પાછળ નથી.
આ પણ વાંચો : International Women’s Day 2022: ‘સુપર વુમન’ને સ્વસ્થ રાખવા માટે તમે તેને આ ફિટનેસ ગેજેટ્સ આપી શકો છો ભેટમાં