મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Cm Udhav Thackeray) કહ્યું કે મેં પહેલેથી જ કહ્યું છે કે તેઓ (બળવાખોર ધારાસભ્યો) ગમે તે કરી શકે છે, હું તેમની બાબતોમાં દખલ નહીં કરુ. તેઓ પોતાનો નિર્ણય લઈ શકે છે, પરંતુ કોઈએ બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ ના કરવો જોઈએ. શિવસેનાની (Shiv Sena) કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથ પર જોરદાર પ્રહારો કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાના નામનો કોઈ ઉપયોગ કરી શકે નહીં. બાળાસાહેબના નામનો ઉપયોગ કોઈ નહી કરી શકે. જે સમાચાર સામે આવી રહ્યાં છે તે મુજબ એકનાથ શિંદેએ (Eknath Shinde) તેમના જૂથ માટે નવું નામ નક્કી કર્યું છે. શિંદે જૂથે નવું નામ શિવસેના બાળાસાહેબ જૂથ રાખ્યું છે.
શિંદે જૂથના 16 ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી છે. ડેપ્યુટી સ્પીકરે સોમવાર સુધીમાં જવાબ માંગ્યો છે. શિંદે જૂથની અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે, ડેપ્યુટી સ્પીકરે દરખાસ્તને ફગાવી દેતા કહ્યુ છે કે, તેમની સમક્ષ જે પત્ર રજુ થયો છે તેમાં ધારાસભ્યોની સહી બનાવટી હોવાનું લાગે છે.
આ સાથે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધુ ગરમ થઈ ગયો છે. સંજય રાઉતે કહ્યું છે કે શિવસેના પાર્ટીને હાઈજેક કરવાની કોઈનામાં હિંમત નથી. સંજય રાઉતની આ વાતનું ખંડન કરતાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે હવે મહાવિકાસ અઘાડી પાસે બહુમતી બાકી નથી. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના પાંચમા દિવસે શિવસેનાના કાર્યકરો રસ્તા પર ઉતરવા લાગ્યા છે. શિવસૈનિકોએ આજે અલગ-અલગ જગ્યાએ શિંદે જૂથના ધારાસભ્યોને ત્યાં તોડફોડ કરી હતી અને પૂતળા બાળ્યા છે. રાયગઢમાં, જ્યાં શિવસૈનિકોએ પૂતળા બાળ્યા હતા, શિવસેનાના કાર્યકરોએ એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી હતી, જ્યારે પુણેમાં એકનાથ શિંદેની ઓફિસમાં લગાવેલા હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, શિવસૈનિકોએ બળવાખોર ધારાસભ્યોની તસવીરો પર સ્પ્રે પેઇન્ટ છાંટીને કાળા કરી નાખ્યાં છે. આ સિવાય સાકીનાકાથી શિવસૈનિકોએ તોડફોડ કરી હોવાની વિગતો પણ સામે આવી છે, જ્યાં શિંદે જૂથના દિલીપ લાંડેના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં સરકારની કટોકટી શરૂ થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર બળવાખોરો પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. ઉદ્ધવે કહ્યું કે બળવાખોરોએ તેમની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. ઉદ્ધવે કહ્યું કે અમે જેમને જીત્યા તેઓ જ અમારો સાથ છોડી ગયા. કોંગ્રેસ-એનસીપી હજુ પણ અમારી સાથે છે, પરંતુ અમારા સ્નેહીજનોએ અમારી સાથે દગો કર્યો છે. સાથે જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તેઓ ક્યારેય ભાજપ સાથે નહીં જાય. ભાજપે તેમની સાથે ઘણી વખત દગો કર્યો છે.