
મહારાષ્ટ્રનું રાજકારણ કોઈના કોઈ વાતને લઈને સતત ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે ફરી એક વખત મહારાષ્ટ્રના રાજકારણના સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સરકારી આવાસ ‘વર્ષા’ પર ગઈકાલે 3 નવેમ્બરે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ, શિવસેના અને એનસીપીના તમામ ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારી પર ચર્ચા થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ બેઠકમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના જૂથના આંદોલન પર નારાજગી વ્યક્ત કરી છે.
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ બેઠકમાં પોતાની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે સત્તામાં રહીને આ પ્રકારનું આંદોલન કરવુ યોગ્ય નથી. સત્તાધારી જ વિરોધ કરશે તો જનતામાં ખોટો સંદેશ જશે. શિંદેએ કહ્યું કે વિરોધ કરવાથી સંદેશ જશે કે મહાગઠબંધનમાં કોઈ પણ પ્રકારનો તાલમેલ નથી.
આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને ધારાસભ્યોને મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા છે. આ બેઠકમાં વરિષ્ઠ નેતાઓએ ધારાસભ્ય અને નેતાઓને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાવવાના નિર્દેશ કર્યા છે. તમને જણાવી દઈએ કે આગામી લોકસભા ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીની કામગીરી અત્યારથી જ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.