જો વ્યકિતનો નિશ્ચય દ્રઢ છે, તેના હોંસલામાં આગ છે તો સંસાધન સીમીત હોય તો પણ અશક્ય શક્ય થઈ જાય છે. વ્યક્તિ પોતાના ઉદ્દેશ્યને સાકાર કરવાનો માર્ગ શોધી જ લેતો હોય છે. આવું જ કંઈક કમાલ મહારાષ્ટ્રના (Maharashtra) સાંગલીના એક ખેડૂતે (Farmer) કરી બતાવ્યું છે. ખેતી કરવા માટે ખેતર ન મળ્યું તો આ ખેડુતે બિસલેરી બોટલોમાં રીંગણની ખેતી કરી છે. માત્ર રીંગણની જ નહી પરંતુ સાથે સાથે મરચા પણ ઉગાડ્યા છે. આ પરાક્રમ સાંગલી જિલ્લાના શિરાલા તાલુકાના પણુમ્બ્રે વારુણ ગામના એક યુવા ખેડૂતે કર્યું છે. ઘરની બહાર એક નાની જગ્યામાં આ ખેડૂતે બિસલેરીની બોટલો જમીન તરફ ઉંધી લટકાવીને રીંગણના છોડ વાવ્યા છે. જેઓ આ ખેડૂતના ઘર પાસેથી પસાર થાય છે, તેઓ પ્રશંસા કરવાનું ચુકતા નથી.
માછીમારી કરીને પેટ ભરનાર ફાળકે પરીવાર પણુમ્બ્રે ગામમા રહે છે. નજીકમાં કોઈ ખેતીવાડી ન હતી, પરંતુ આ ઘરના યુવાન સભ્યનો આગ્રહ એવો હતો કે જે પોતે ઉગાડશે તેને જ તે ખાશે. આ રીતે શરૂઆતમાં એક છોડ વાવીને પ્રયોગ કર્યો. જ્યારે તેણે જોયું કે છોડ ઉગી રહ્યા છે, ત્યારે તેણે અન્ય બિસ્લેરીની બોટલોમાં પણ રોપા વાવવાનું શરૂ કર્યું.
ફાળકે પરિવારના ઘરની બહાર આવા અનેક છોડ છે. હવે આ છોડમાં રીંગણા આવી ગયા છે. અત્યાર સુધીમાં 5 કિલો રીંગણ ઉગાડીને ખાવા વિશે ફાળકે પરીવાર જણાવે છે કે, જ્યારે પ્રથમ રીંગણ ઉગ્યું ત્યારે તેઓને પહેલા તો વિશ્વાસ જ ન આવ્યો. આ પછી તેમને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. પછી જોત જોતાંમાં મરચાં પણ ઉગી ગયાં.
ફાળકે પરિવારના ઘરની બહારના આ છોડ વધુને વધુ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. ઘણા લોકો આ છોડ જોવા આવે છે, ફાળકે પરિવારને આ છોડ વિશે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં આવી અલગ પ્રકારની ખેતીનું ચલણ વધ્યું છે. થોડા દિવસો પછી, ઘણી બધી શાકભાજી અને અન્ય પાક આ રીતે ઉગતા જોવા મળશે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસીડીમાં વધારો કરતા ખાતર સસ્તુ થશે, ગુજરાતના ખેડુતોને પણ થશે ફાયદો