મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ તુલજા ભવાની મંદિરે ભક્તજનો દ્વારા રૂ. 54 કરોડનો ચઢાવો અર્પણ કર્યો છે. જે 2021-22માં રૂ. 29 કરોડની સરખામણીએ 2022-23માં લગભગ બમણી છે. મંદિર પ્રશાસને આ જાણકારી આપી. મંદિર સંસ્થાનના અધ્યક્ષ અને ઉસ્માનાબાદના જિલ્લા કલેક્ટર ડૉ. સચિન ઓમ્બેસે ગઈકાલ શનિવારે જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષમાં 54 કરોડ રૂપિયાના ચઢાવાની કમાણીમાંથી 15 કરોડ રૂપિયા ભક્તોએ પૈસા ચૂકવીને કરેલા દર્શનથી આવક થઈ હતી. જ્યારે 19 કરોડ રૂપિયા, ભક્તોએ આપેલા દાનમાંથી મળ્યા હતા.
સદીઓ જૂનું તુલજા ભવાની મંદિર ઉસ્માનાબાદના તુલજાપુર ખાતે આવેલું છે અને દર વર્ષે લાખો ભક્તો આ પ્રસિદ્ધ મંદિરની મુલાકાત લે છે. કલેક્ટરે કહ્યું, “અમે મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરવા આવતા ભાવિક ભક્તોને સારી સુવિધા આપીએ છીએ અને તેના કારણે આવકમાં વધારો થયો છે.
ઘણા લોકોએ ચૂકવણી કરીને માતાજીના દર્શનની સુવિધાનો લાભ લીધો હતો, જેના માટે મંદિર દરેક વ્યક્તિ પાસેથી 500 રૂપિયા લે છે. આ ચઢાવામાં 207 કિલો સોનું અને 2,570 કિલો ચાંદીનો હતો. કલેક્ટરના જણાવ્યા અનુસાર તુલજાપુરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની પરવાનગીથી તૈયાર કરવામાં આવેલો માસ્ટર પ્લાન અંતિમ તબક્કામાં છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થશે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો