મહારાષ્ટ્રના નવા ડીજીપી (Maharashtra New DGP) રજનીશ શેઠ હશે. તેમને મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સંજય પાંડે પાસેથી રાજ્યના ડીજીપી પદનો ચાર્જ સંભાળશે. અત્યાર સુધી સંજય પાંડે (Sanjay Pandey) પાસે ડીજીપીનો વધારાનો હવાલો હતો. વિપક્ષ સતત એ વાતની ટીકા કરતો હતો કે રાજ્ય પાસે એક ફૂલ ટાઈમના ડીજીપી નથી. કોર્ટે ફૂલ ટાઈમના ડીજીપી ન હોવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેથી, હવે સરકારે સંજય પાંડે પાસેથી ડીજીપીનો વધારાનો ચાર્જ લઈને રજનીશ શેઠને રાજ્યના ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે.
રજનીશ શેઠ 1988 બેચના આઈપીએસ અધિકારી છે. મુંબઈના આઝાદ મેદાનમાં રમખાણો સમયે રજનીશ શેઠ મુંબઈના કાયદો અને વ્યવસ્થા વિભાગના સહાયક પોલીસ કમિશનર હતા. રજનીશ શેઠ ફોર્સ વન મહારાષ્ટ્રના વડા રહી ચૂક્યા છે. તેમણે ગૃહ વિભાગના અગ્ર સચિવ તરીકે પણ જવાબદારી નિભાવી છે.
સંજય પાંડે એપ્રિલ 2021થી રાજ્યના ડીજીપીનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. રાજ્યને પૂર્ણકાલીન પોલીસ મહાનિર્દેશક મળવો જોઈએ, તેની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. આ માંગણીઓને ધ્યાનમાં રાખીને આખરે શુક્રવારે (18 ફેબ્રુઆરી) રજનીશ શેઠને મહારાષ્ટ્રના નવા પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈમાં 26/11ના હુમલા સમયે ફોર્સ વનની રચના કરવામાં આવી હતી. ત્યારે રજનીશ શેઠ આ ટીમના વડા હતા. રજનીશ શેઠ બે વર્ષ મુંબઈના એડિશનલ પોલીસ કમિશનરના પદ પર પણ રહ્યા હતા.
રાજ્યમાં પોલીસ મહાનિર્દેશકની નિમણૂક એક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. રાજ્યના 10 વરિષ્ઠ અધિકારીઓના નામ સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ને મોકલવામાં આવે છે. યુપીએસસી દ્વારા તેમાંથી ત્રણ વરિષ્ઠ અધિકારીઓના નામની ભલામણ કરવામાં આવે છે. આ ત્રણ નામમાંથી કોઈપણ એકને ડીજીપીના પદ પર નિયુક્ત કરવામાં આવે છે. હેમંત નાગરાલે, કે. વેંકટેશમ, રજનીશ શેઠના નામની ભલામણ કરવામાં આવી હતી. આ નામોમાંથી અંતે રજનીશ શેઠની પસંદગી કરવામાં આવી છે.