મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બીજેપી સંસદીય સમિતિની બેઠકમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) પર ચર્ચા કરી અને તેને જોવા માટે હાકલ કરી. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની દુર્દશા પર આધારિત છે જેમને જમ્મુ-કાશ્મીરમાંથી હિજરત કરવાની ફરજ પડી હતી. આ ફિલ્મનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, ‘આ પ્રકારની વધુ ફિલ્મો બનવી જોઈએ. સત્ય દરેક સ્વરૂપે બહાર આવવું જોઈએ. જે સત્ય દાયકાઓથી દબાયેલું હતું, તે સત્ય આ ફિલ્મમાં સામે આવ્યું છે. જેઓ વિચારે છે કે આ સાચું નથી તેઓ બીજી ફિલ્મ બનાવી શકે છે. કોણે રોક્યા છે?’ બીજી તરફ શરદ પવારની પુત્રી અને મહારાષ્ટ્રના એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં મોદી સરકારને સવાલ કર્યો કે સત્તાના સાત વર્ષમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે શું કર્યું?
સુપ્રિયા સુલેએ સંસદમાં બોલતા કહ્યું, ‘જો બાળક કુપોષિત રહી જાય છે, તો માતા તેની સાથે શું કરે છે ? સાત વર્ષ સુધી તેને સારું ખાવા-પીવાનું આપશે અને તેને સ્વસ્થ બનાવશે. મારું બાળક કુપોષિત છે. એમ ચીસો પાડીને ભટકશે નહીં.
સાંસદ સુપ્રિયા સુલેએ સવાલ કર્યો કે બજેટમાં જમ્મુ-કાશ્મીર માટે અલગથી શું જોગવાઈ કરવામાં આવી છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની સ્થિતિ સુધારવા માટે નવા કાર્યક્રમો શું છે ? છેલ્લા 60 વર્ષમાં જે થયું તે થયું, હજુ કેટલા વર્ષો સુધી તેનું પુનરાવર્તન થશે. હવે તેઓ આ સાંભળીને થાકી ગયા છે. લોકસભામાં જમ્મુ-કાશ્મીરના બજેટ પર ચર્ચા કરતી વખતે સુપ્રિયા સુલેએ આ સવાલો ઉઠાવ્યા હતા.
સુપ્રિયા સુલેએ વધુમાં કહ્યું કે, ‘જો તમે કાશ્મીરી પંડિતોની સ્થિતિને લઈને આટલા જ ચિંતિત છો તો તેમનાથી સંબંધિત યોજનાઓને બજેટમાં સામેલ કરો. તેમની સુધારણા માટે અલગ યોજના લાવો. છેલ્લા સાઠ વર્ષમાં તેની સાથે કેટલો અત્યાચાર થયો છે તે કહેવાની હંમેશા જરૂર નથી. તમને સત્તામાં આવ્યાને સાત વર્ષ થઈ ગયા છે. હવે જે થયું તે છોડો. તમે તેમને મદદ કેમ નથી કરતા ?’
સુપ્રિયા સુલેએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે કાશ્મીરી લોકો માટે હજારો નોકરીઓનું આશ્વાસન આપ્યું છે. આ અંગે જમીન પર કંઈ થયું નથી. સુપ્રિયા સુલેએ એવો પણ સવાલ કર્યો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી વાસ્તવિકતામાં શું બદલાવ આવ્યો છે તે જાણવાની જરૂર છે. સાંસદે જમ્મુ-કાશ્મીરની જીડીપી અને દેવાની સ્થિતિને ચિંતાજનક ગણાવી અને ત્યાંના સ્માર્ટ સિટી પ્રોજેક્ટને નિષ્ફળ ગણાવ્યો.
આ પણ વાંચો : ભાજપની માંગ સામે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી, બિલ ન ભરવા પર ખેડૂતોના વીજ જોડાણ નહી કપાય