Maharashtra : મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલ કોરોના સંક્રમિત થયા છે. પાટીલને કોરોનાના લક્ષણો દેખાતા તેણે પોતાને આઈસોલેટ કર્યા હતા. દિલીપ વાલ્સે પાટીલે (Dilip Walse Patil) પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી આપી હતી. ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે ટ્વીટ કર્યું હતુ કે, હળવા લક્ષણોનો અનુભવ કર્યા પછી, મેં કોવિડ -19 માટે પરીક્ષણ કરાવવાનું નક્કી કર્યું , જે બાદ હું કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મારી તબિયત હાલ સ્થિર છે અને હું મારા ડૉક્ટરની સલાહને અનુસરી રહ્યો છું. પાટીલે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
દિલીપ વાલ્સે પાટીલેએ વધુમા લખ્યુ કે, હું નાગપુર (Nagpur) અને અમરાવતી પ્રવાસ અને અન્ય કાર્યક્રમો દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમનો કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું.
રાજ્યમાં કોવિડ-19ના 1201 નવા કેસ નોંધાયા
મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Covid 19) ચેપના 1201 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 66,05,051 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. જોકે, બુધવારે કોવિડ-19 કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે, બુધવારે 889 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
કોરોના કેસમાં બુધવારે ઘટાડો નોંઘાયો હતો, પરંતુ મૃત્યુઆંક 20 નો વધારો થયો છે,મંગળવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 12 હતી,જે વધીને બુધવારે આંકડો 32 પર પહોંચ્યો હતો.
રિકવરી રેટમાં સતત સુધારો
અધિકારીએ આ અંગે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં કોવિડ-19થી મૃત્યુઆંક હવે 1,40,060 પર પહોંચી ગયો છે. જો કે, છેલ્લા 24 કલાક દરમિયાન 1370 દર્દીઓ સાજા થયા છે અને કોરોનાને મ્હાત આપનારા લોકોની સંખ્યા વધીને 64,38,395 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના રિકવરી રેટ પણ વધીને 97.48 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુ દર 2.12 ટકા છે.
રાજ્યમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો
વધુમાં અધિકારીએ (Health Officer) જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 6,20,80,203 લોકોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે મહારાષ્ટ્રના 15 જિલ્લા અને 10 મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક પણ કેસ નોંધાયો નથી. સાથે ઘણા જિલ્લાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ નવા કેસ સિંગલ ડિજિટમાં રહ્યા છે.
આ પણ વાંચો: Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક