બોર્ડ પરીક્ષામાં નકલ રોકવા (Maharashtra Paper Leak Case) માટે મહારાષ્ટ્ર સરકાર કડક પગલાં લેશે. રાજ્યના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે, મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 12 અને 10ની પરીક્ષાઓમાં ચોરી કરાવતી શાળાઓની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની શરૂઆત ઔરંગાબાદના પૈઠણથી કરવામાં આવી છે. આ સાથે જ તેઓને ભવિષ્યમાં ક્યારેય બોર્ડની પરીક્ષા આયોજીત કરવા દેવામાં આવશે નહીં. બુધવારે વિધાન પરિષદમાં કોંગ્રેસના ઉમેદવાર જયંત અસગાવકરે ઔરંગાબાદની શાળામાં મુખ્ય શિક્ષક અને સ્ટાફ દ્વારા નકલ કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
શિક્ષણ પ્રધાન ગાયકવાડે ગૃહમાં જણાવ્યું હતું કે, 15 માર્ચે 10મીની પરીક્ષા દરમિયાન મરાઠી વિષયમાં નકલ કરવાના મામલામાં ઔરંગાબાદના પૈઠાણ તાલુકામાં લક્ષ્મીબાઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ફ્લાઈંગ સ્કવોડે ઔરંગાબાદના કન્નડ તાલુકાના પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થીનીનો મોબાઈલ ચેક કર્યો તો તેમાં પ્રશ્નપત્ર મળી આવ્યું હતું.
શિક્ષણ મંત્રી ગાયકવાડે કહ્યું કે કોરોનાને કારણે દરેક શાળાને પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવી છે, તેથી પરીક્ષા કેન્દ્રો પર પોલીસ સુરક્ષા આપવા ગૃહ વિભાગને માગ કરી છે. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે-પાટીલે પણ પોલીસ સુરક્ષા અંગે યોગ્ય સૂચનાઓ આપી છે. આ સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પણ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવા જણાવાયું છે. મહારાષ્ટ્ર બોર્ડ હેલ્પલાઇન નંબર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે, જ્યાંથી પરીક્ષા સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.