
સમગ્ર દેશમાં કોલસાની કટોકટી અને વધતા ઉનાળાના કારણે વીજળીની વધતી માંગને કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 30 જૂન સુધી દિવસમાં 8 કલાક લોડ શેડિંગ (Load shedding in Maharashtra) શરૂ થઈ ગયું છે. વીજળી વિતરણની સરકારી કંપની મહાવિતરણે લગભગ ત્રણ મહિનાથી લોડ શેડિંગનું ટાઈમ ટેબલ જાહેર કરીને મહારાષ્ટ્રની જનતાને જબરદસ્ત ફટકો આપ્યો છે. ક્યાંક ઊંઘ ખરાબ હશે તો ક્યાંક કામ બગડશે. અલગ – અલગ વિસ્તારોમાં ક્યાંક દિવસમાં લોડ શેડિંગ રહેશે તો ક્યાંક રાત્રિના સમયે વીજળી ગુલ રહેશે.
ગઈ કાલે એવું જાણવા મળ્યું હતું કે જે જગ્યાએ કંપનીને પાવર ડિસ્ટ્રિબ્યુશનમાં ખોટ છે, ત્યાં લોડ શેડિંગ વધુ થશે, જ્યાં લોકો સમયસર વીજ બિલ ભરતા નથી. સાથે એમ પણ જણાવાયું હતું કે મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારો મહા વિતરણના કાર્યક્ષેત્રમાં આવતા નથી. આથી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોને કોઈ અસર થશે નહીં. પરંતુ હવે મુંબઈમાં પણ લોડ શેડિંગ (Power cut in Mumbai)નું જોખમ વધી ગયું છે.
મુંબઈ શહેરમાં અને તેની આસપાસ ત્રણ કંપનીઓ અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (AEML), ટાટા પાવર અને બેસ્ટ તરફથી વીજળી પૂરી પાડવામાં આવે છે. પરંતુ મહાવિતરણ પણ ભાંડુપથી મુલુંડ અને બૃહદ મુંબઈના ઘણા વિસ્તારોમાં વીજળી સપ્લાય કરે છે. હાલમાં મુંબઈમાં દૈનિક વીજ માંગ 3,500 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. તેમાંથી સૌથી વધુ 1,250થી 1,300 મેગાવોટ વીજળી કોલસામાંથી ઉત્પન્ન થાય છે. 447 મેગાવોટ વીજળી હાઈડ્રોપાવર અને 250 મેગાવોટ પેટ્રોલિયમ અને પવન ઉર્જા આધારિત વીજળી મળતી હોય છે. આવી સ્થિતિમાં મુંબઈને બહારથી 1,500 મેગાવોટ વીજળી ખરીદવી પડી શકે છે.