મહારાષ્ટ્રના પુણે (Pune) શહેરમાં આર્થિક ગુનાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ આર્થિક ગુનાઓમાં સાયબર ક્રાઈમની (Cyber Crime) અનેક ઘટનાઓ સામે આવી છે. વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને અનેક લોકોને છેતરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ઘણા યુવાનોએ પોતાની ઘરની આખી પુંજી લગાવી દીધી છે. અને બાદમાં તેઓને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. પુણે શહેરના સાયબર ક્રાઈમ સેલે શહેરમાં ‘જોબ ફ્રોડ’નું (Job Fraud) જાળ તૈયાર હોવાની માહિતી આપી છે. ગયા વર્ષે સાયબર ક્રાઈમ સંબંધિત 826 ફરિયાદો નોંધાઈ હતી. આ ફરિયાદોમાં ઘણા લોકો પાસેથી લગભગ 87 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી છે. આ મામલામાં ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે.
સાયબર ક્રાઈમ સંબંધિત આ ‘જોબ ફ્રોડ’ ની જાળ ફેલાવવા વાળા લોકો વિદેશોમાં નોકરી મેળવવાની લાલસા રાખનારા લોકોની માહીતી એકઠી કરે છે. અને તેમને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપે છે. પછી કેટલાક જરૂરી ડોક્યુમેન્ટેશન અને કાર્યવાહીના નામે ઓટીપી માંગે છે અને બેંકોમાંથી પૈસા કાઢીને ગાયબ થઈ જાય છે. પછી તેમનો સંપર્ક થઈ શકતો નથી.
વિદેશમાં મોટી કમાણીવાળી નોકરી અપાવવાના નામે અનેક મહિલાઓ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા લગ્નની ઓફર કરીને છેતરપિંડી કરવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. પુણે શહેર પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં આ અલગ-અલગ રીતે સાયબર ક્રાઈમ દ્વારા ઘણા યુવકો છેતરાયા હોવાની ફરિયાદો સામે આવી છે. સાયબર ક્રાઈમ સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગયા વર્ષે આવી લગભગ આઠસો છવીસ ફરિયાદો નોંધાઈ હતી. સમગ્ર વર્ષ દરમિયાન આવા અનેક લોકો સામે કેસ નોંધાયા હતા. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ આ પ્રકારની છેતરપિંડીમાં સંડોવાયેલા અનેક લોકોને શોધી પણ રહી છે.
આ સાયબર ઠગોની જાળમાં માત્ર યુવાનો જ નથી ફસાયા પરંતુ ઘણા જૂના અને અનુભવી લોકો પણ છેતરાયા છે. પરંતુ વિદેશ જવાના મોહમાં મોટા ભાગના યુવાનો ફસાય છે. પોતાની આ ઈચ્છા પૂરી કરવા માટે તેઓ કોઈપણ રીતે પૈસા ભેગા કરે છે અને જોબ ફ્રોડનો શિકાર બને છે. આ કારણોસર, પુણેના સાયબર પોલીસ ઈન્સ્પેક્ટર કુમાર ઘાડગેએ ખાસ કરીને યુવાનોને ચેતવણી આપી છે કે જ્યારે પણ તેમને સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન સિસ્ટમમાંથી કોઈ નોકરીની ઓફર મળે છે તો પૈસા ભરતા પહેલા, તેની સત્યતા બરાબર તપાસો, અને પછી જ પેમેન્ટ કરો. જો કે, સામાન્ય રીતે મોટી કંપનીઓ નોકરી કે ઈન્ટરવ્યુ માટે કોઈપણ ટેસ્ટ કે ડોક્યુમેન્ટેશનના નામે કોઈ ચાર્જ વસૂલતી નથી, આ બધી બાબતોની જાણકારી હોવી પણ જરૂરી છે.
આ પણ વાંચો : 14 વર્ષ જૂના કેસમાં શિલ્પા શેટ્ટીને મળી મોટી રાહત, હૉલીવુડ એકટરે અભિનેત્રીને ખુલ્લેઆમ કરી હતી KISS