દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દરરોજ લાખો લોકો બેસ્ટ બસમાં (BEST BUSES) મુસાફરી કરે છે. હવે આ બસો બહુ જલ્દી ડિજિટલ બસમાં (Digital Bus Services) પરિવર્તિત થવા જઈ રહી છે અને સાથે મુંબઈ દેશનું પહેલું શહેર હશે જ્યાં આવી બસો દોડશે. ચલો એપની સુવિધા શરૂ કર્યા બાદ હવે બેસ્ટે ડિજીટલાઇઝેશન તરફ વધુ એક પગલું ભર્યું છે. બેસ્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે બેસ્ટ ટેપ ઇન ટેપ આઉટ (Best tap in tap out) ની સુવિધા શરૂ કરવામાં આવી છે. પોતાના મુસાફરો માટે મુસાફરી સરળ બનાવવા માટે બેસ્ટ હંમેશા નવી નવી સુવિધાઓ પ્રદાન કરતું આવ્યું છે.
મુસાફરોની સુવિધા માટે બેસ્ટ નવી એક સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. આ સેવાનું નામ “Tap in Tap Out” હશે. છૂટ્ટા પૈસાની સમસ્યાને ઉકેલવા માટે, બેસ્ટ હવે “ટેપ ઇન ટેપ આઉટ” નામની નવી સુવિધા રજૂ કરશે. બેસ્ટ ડિજિટલ ટેક્નોલોજી પર ધ્યાન આપી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં જ આ નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા હેઠળ મુસાફરો ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.
બેસ્ટની બસોમાં મુસાફરી કરતા લાખો લોકોને મુસાફરી સમયે ટિકિટ મેળવવાની તકલીફનો સામનો કરવો પડે છે અથવા ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે. ડિજીટલ બસ મુસાફરોની આ સમસ્યાનો અંત લાવવા જઈ રહી છે. બેસ્ટની બસો હવે ટેક્નોલોજીથી સજ્જ થઈ રહી છે. આ બસોમાં આધુનિક ટિકિટિંગ મશીનો લગાવવામાં આવી રહ્યા છે, જ્યાં મશીન પર માત્ર એક જ સ્માર્ટ કાર્ડને ટેપ કરવાનું રહેશે અને મુસાફરોની ટિકિટ તરત જ બુક થઈ જશે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ટિકિટ મશીનો બસના બંને ગેટ પર સ્થાપિત કરવામાં આવશે જ્યાં મુસાફરો બસમાં ચઢતી અને ઉતરતી વખતે તેમના સ્માર્ટ કાર્ડને મશીન સાથે ટેપ કરશે અને તેમનું મુસાફરી ભાડું કાર્ડમાંથી કાપવામાં આવશે. તેનાથી મુસાફરોનો ઘણો સમય બચશે.
શરૂઆતમાં, આ સમગ્ર મુંબઈમાં ‘રિંગ રૂટ્સ’ પર દોડશે. મિની અને ટેમ્પો ટ્રાવેલર્સ સહિત લગભગ 600 એર-કન્ડિશન્ડ બસો છે જે ટાપુ શહેર અને ઉપનગરોમાં રિંગ રૂટ પર ચાલે છે. રીંગ રૂટ પર દોડતી આ બસો એસી બસ માટે રૂ. 6 અને નોન એસી બસ માટે રૂ. 5 નું નિશ્ચિત ભાડું વસૂલ કરે છે. બસોમાં રીડર મશીન હશે જે NCMC કાર્ડ અને ચલો મોબાઈલ એપ પર ખરીદેલ ટિકિટ બંને વાંચી શકશે.
આ પણ વાંચો : Maharashtra: આંતરરાષ્ટ્રીય વિશ્વ હીન્દુ પરીષદના નેતા પ્રવીણ તોગડીયાનો લાઉડ સ્પીકર વિવાદ પર તીખો હુમલો, પુછ્યો આ સવાલ