અકસ્માત પાછળના મુખ્ય કારણ
એનજીઓ સેવલાઈફ ફાઉન્ડેશને કરેલા ઓડિટ અનુસાર દેશમાં હાઈવે પરના 40 ટકા મોટા માર્ગ અકસ્માત પાછળથી અથડાતા વાહનોને કારણે થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને ઘટાડવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓડિટ મુજબ, આ અથડામણ પાછળના કારણો ડ્રાઇવરનો થાક અને નબળી ઊંઘ છે. આ ઓડિટ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાર હાઈવેના કુલ 557 કિલોમીટરને આવરી લેતા કરવામાં આવ્યું હતું.
અકસ્માતના અન્ય કારણ
ઓડિટ રિપોર્ટ અનુસાર હાઈવે પર થતા અકસ્માતના અન્ય કારણ પણ સામે આવ્યા છે. ઘણી ઈજનેરી ખામીઓ જેમ કે રસ્તાઓ વચ્ચે ગાબડાં, ક્રેશ બેરિયર્સની ગેરહાજરી અને રસ્તાઓ પર પથ્થરોની હાજરી પણ મળી આવી હતી. આ બધાને કારણે લોકો અકસ્માતમાં મૃત્યુ પણ પામે છે. આગ્રા-ઈટાવા વિભાગમાં આવી 7,500 ઈજનેરી ખામીઓ મળી આવી હતી. આ સિવાય જે વિભાગોનું ઓડિટ કરવામાં આવ્યું હતું તેમાં યુપીમાં ઇટાવા ચકેરી અને મહારાષ્ટ્રમાં પુણે-સતારા અને સતારા કાગલનો સમાવેશ થાય છે.
ડ્રાયવર નશામાં હોવાનું પણ એક કારણ
છેલ્લા ત્રણ વર્ષમાં 6,500 થી વધુ માર્ગ અકસ્માતો થયા છે, જેમાંથી 1,600 ગંભીર અને જીવલેણ હતા. એનજીઓ સેવલાઈફ ફાઉન્ડેશનના ઓડિટર્સે મેડિકલ રેકોર્ડમાંથી શોધી કાઢ્યું હતું કે ખાસ કરીને કોમર્શિયલ વાહનોના ડ્રાયવર થાકને કારણે અથડાતા હતા. આ ઉપરાંત નશામાં વાહન ચલાવવું, હેલ્મેટ વિના વાહન ચલાવવું, અમુક જગ્યાએ યોગ્ય લાઇટનો અભાવ, રાજ્ય સરકારો દ્વારા સુવિધાઓનો અભાવ પણ માર્ગ અકસ્માતના અન્ય કારણો છે.
ધુમ્મસને કારણે પણ થાય છે અકસ્માત
ઉત્તર પ્રદેશમાં, ઠંડા હવામાનમાં ઓછી વિઝિબિલિટીને કારણે હાઇવે પર ઘણા અકસ્માતો થાય છે. આગ્રા-ઇટાવા વિભાગમાં, લગભગ 39 ટકા મૃત્યુ અને 32 ટકા અકસ્માતો ધુમ્મસની સ્થિતિમાં થાય છે. બીજી તરફ, મહારાષ્ટ્રના બંને હાઈવે વિભાગોમાં દિવસ દરમિયાન 50 થી 60 ટકા ઘટનાઓ બની છે, જેમાં મોટાભાગે ટુ-વ્હીલર અને ટ્રક અથડાયા છે. એનજીઓ સેવલાઈફ ફાઉન્ડેશને મુંબઈ-પુણે એક્સપ્રેસવેનું આ જ રીતે ઓડિટ કર્યું હતું અને સુધારણા માટે ભલામણો કરી હતી, જેના પગલે 2016-20ની વચ્ચે અકસ્માતોમાં મૃત્યુઆંકમાં 52 ટકાનો ઘટાડો થયો હતો.
60 ટકા અકસ્માત વધુ ઝડપને કારણે
ઓડિટ રિપોર્ટના પરિણામો અને ભલામણો અનુસાર માર્ગ પરિવહન મંત્રાલય આ ચાર વિભાગોમાં સુધારાઓની યાદી તૈયાર કરશે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના રિપોર્ટ અનુસાર દેશમાં દર કલાકે 18 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે. તે જ સમયે દર કલાકે 48 માર્ગ અકસ્માતો થઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર અકસ્માતમાં મૃત્યુનું મુખ્ય કારણ ઓવર સ્પીડિંગ છે. વર્ષ 2019માં કુલ માર્ગ અકસ્માતોમાંથી 59.6 ટકા વધુ ઝડપને કારણે થયા હતા.
વિશ્વભરમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકોના મૃત્યુ થતા હોય છે. જો કે અકસ્માતમાં કુલ મૃત્યુ પૈકી 11% એકલા ભારતમાં થાય છે. વર્ષ 2020માં બેદરકારીના કારણે ભારતમાં માર્ગ અકસ્માત સંબંધિત મૃત્યુના 1.20 લાખ કેસ નોંધાયા હતા.
સરકારી ડેટા અનુસાર કોવિડ-19 લોકડાઉન હોવા છતાં, દરરોજ સરેરાશ 328 લોકોએ જીવ ગુમાવ્યો છે. NCRBએ સપ્ટેમ્બરમાં પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ત્રણ વર્ષમાં બેદરકારીના કારણે 3.92 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ડેટા અનુસાર, વર્ષ 2020માં માર્ગ અકસ્માતમાં 1.20 લાખ લોકોના મોત થયા હતા જ્યારે 2019માં આ આંકડો 1.36 લાખ અને 2018માં હતો.
આ પણ વાંચોઃ Shane Warne: શેન વોર્ન ને નડ્યો અકસ્માત, ચાલતી બાઇક પરથી સ્લીપ થઇ જતા 15 મીટર સુધી ઘસડાયો