Mumbai : મુંબઈમાં કોરોના અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMCએ (Bombay Municipal Corporation) ખાનગી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. BMCએ તમામ ખાનગી હોસ્પિટલોને(Private Hospital) મહત્તમ બેડની સમાન ક્ષમતાને ફરીથી સક્રિય કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ જો એસિમ્પ્ટોમેટિક દર્દીઓ કોમોર્બિડ હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા અને જો તેઓ પહેલેથી જ દાખલ છે તો તેમની સ્થિતિ જોયા બાદ તેમને 3 દિવસમાં રજા આપવા નિર્દશ કર્યા છે.
આ ઉપરાંત BMCએ હોસ્પિટલોને 80 ટકા કોવિડ બેડ અને 100 ICU બેડ સાથે વોર્ડ વોર રૂમ ખોલવા સૂચન કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ વોર્ડ રૂમો અનામત રાખવામાં આવશે અને BMC ની પરવાનગી વિના કોઈ પણ દર્દીને અહીં પ્રવેશ મળશે નહીં. તેમજ તમામ ખાનગી હોસ્પિટલો દર્દી પાસેથી સરકાર દ્વારા નક્કી કરાયેલા દર જ વસૂલવામાં આવશે. ત્યારે હવે નવી ગાઈડલાઈન(Guidelines) મુજબ તમામ ખાનગી હોસ્પિટલોએ કોઈપણ કોવિડ દર્દીને દાખલ કરતા પહેલા BMCની પરવાનગી લેવી પડશે.
BMCએ બિલ્ડિંગને સીલ કરવા માટેના પ્રોટોકોલમાં પણ સુધારો કર્યો છે. BMCના નવા પરિપત્ર મુજબ, જો કોઈ બિલ્ડિંગની વિંગ, કોમ્પ્લેક્સ અથવા સોસાયટીના 20 ટકા ફ્લેટમાં કોરોનાના પોઝિટિવ દર્દી જોવા મળે છે, તો સમગ્ર બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, BMC કમિશ્નર આઈએસ ચહલે આ પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ દર્દી અને તેના સંપર્કમાં આવતા લોકોએ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોરોનાના દર્દીને 10 દિવસ માટે આઇસોલેટમાં રહેવું ફરજિયાત કરવામાં આવ્યુ છે.
આ સાથે નવી ગાઈડલાઈન મુજબ સોસાયટી મેનેજિંગ કમિટી ક્વોરેન્ટાઇન પરિવાર માટે રાશન, દવા અને અન્ય જરૂરી સામગ્રી પૂરી પાડશે. બિલ્ડીંગ સીલ કરવાની પ્રક્રિયા વોર્ડ કક્ષાએથી કરવામાં આવશે. લોકોએ કોરોનાને લઈને મેડિકલ ઓફિસર અથવા વોર્ડ ઓફિસર દ્વારા જાહેર કરાયેલા પ્રોટોકોલ અને નિયંત્રણના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.ત્યારે હાલ સંભવિત ત્રીજી લહેરને લઈને BMC એ તૈયારી આટોપી છે.
આ પણ વાંચો : Mumbai Corona Alert: છેલ્લા ત્રણ દિવસમાં મુંબઈના 230 ડૉક્ટરો કોરોના સંક્રમિત મળ્યા, બેસ્ટના 66 કર્મચારીઓ પોઝિટિવ